શહેરા તાલુકાના ભુરખલ ગામે 2021ના તત્કાલિન સરપંચ દ્વારા ગૌચર જમીનમાંથી નીલગીરીના વૃક્ષો વેચી 14.59 લાખ રૂપિયા જમા નહિ કરી ઉચાપત કરતા ફરિયાદ

શહેરા, શહેરા તાલુકાના ભુરખલ ગામ 2021ના સરપંચ દ્વારા પંચાયતની ગૌચર જમીન સર્વે નં.100 તથા 101માના નીલગીરી વૃક્ષો નંગ-3415 માટે ગ્રામસભામાં ઠરાવ કર્યા બાદ સરકારી પ્રક્રિયા મુજબ કાર્યવાહી નહિ કરી તલાટીને જાણ કર્યા વગર ટીડીઓની મંજુરી વગર વૃક્ષો વેચી નાંખી રૂ.14,59,000/-રૂપિયા અંગત કામમાં વાપરી નાંખી સરકારી નાણાંની ઉચાપત કરી પંચાયતના સ્વભંડોળમાં જમા નહિ કરાવી ગુનો કર્યાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાવવા પામી છે.

વિસ્તૃત વિગતો પ્રમાણે શહેરા તાલુકાના ભુરખલ ગામના 2021ના સરપંચ અને હાલના માજી સરપંચ ગમીરભાઈ દવાભાઈ રાઠવા એ ગ્રામ પંચાયતના ગૌચર જમીન સર્વે નં.100 અને 101માં આવેલ નીલગીરીના વૃક્ષો નંગ-3415 જેટલા હતા તે વૃક્ષો વેચવા માટે ગ્રામ પંચાયતના ગ્રામ સભામાં ઠરાવ કર્યો હતો. અને બાદમાં નીલગીરીના વૃક્ષોના કટિંગ અને વેચાણ માટે સરકારી પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરી ન હતી. પંચાયતચના તલાટી કમ મંત્રીને જાણ કર્યા વગર તેમજ તાલુકા વિકાસ અધિકારીની મંજુરી વગર સીધેસીધા નીલગીરના વૃક્ષો વેચી નાંખવામાં આવ્યા હતા. અને તત્કાલિન સરપંચ ગમીરભાઈ રાઠવા દ્વારા નીલગીરીના વૃક્ષોના રૂપિયા 14,59,000/-અંગત કામમાં વાપરી નાંખી સરકારી નાંની ઉચાપત કરવામાં આવી હતી. અને નાણાં પંચાયતના સ્વભંડોળના ખાતામાં જમા નહિ કરાવી ગુનો કર્યા બાબતે શહેરા પોલીસ મથકે પાર્થકુમાર પટેલ દ્વારા તત્કાલિન સરપંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.