ગુજરાતમાં તેમજ આઇપીએસઓની બદલીના દોરમાં દાહોદ જીલ્લાના બે ડિવિઝનનાં ASP બદલાયા, અન્ય જીલ્લા માંથી DYSP મુકાયા

દાહોદ, લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યના 65 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે તેમજ હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂર્ણ કરનારા 8 આઇપીએસને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જ્યારે 5 આઈપીએસને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. ઘણાં સમયથી ચૂંટણીલક્ષી બદલીઓની રાહ જોવાઈ રહી હતી. એમાં આજે એકસાથે 65 ડીવાયએસપીની બદલી સરકારે કરી દીધી છે. જેમાં દાહોદ જીલ્લામાં એએસપી તરીકે ફરજ બજાવતાં બે આઇ.પી.એસ અધિકારીની પણ બદલી કરવામાં આવી છે. જોકે, સરકાર દ્વારા બંનેને નિમણુંક માટે પ્રતિક્ષા કરવાનું જણાવવામાં આવ્યું છે.2020ની બેચના આઇપીએસ કે.સિદ્ધાર્થ છેલ્લા આઠ માસથી દાહોદના એએસપી તરીકે ફરજ બજાવતા હતાં. ગુરૂવારના રોજ બદલી કરાતા તેમના સ્થાને અમરેલી ડી.વાય.એસ.પી. જગદીશ ભંડારીને મુકવામાં આવ્યા છે. તેવી જ રીતે 2020ના આઇપીએસ બિશાખા જૈન પણ આઠેક માસથી જ દાહોદના લીમખેડામાં એ.એસ.પી તરીકે ફરજાધિન હતાં. તેમની પણ બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને લીમખેડામાં બનાસકાઠાથી એમ.બી વ્યાસને મુકવામાં આવ્યા છે. દાહોદના બંને અધિકારીની બદલી તો કરવામાં આવી છે પરંતુ તેમની ક્યાં નિમણુંક કરાઇ છે.તે સ્પષ્ટતા કરવામાં આવી હતી. સરકાર દ્વારા તેમને નિમણુંક માટે રાહ જોવા જણાવાયુ છે. બદલીના ઓર્ડરમાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પંચ દ્વારા સૂચનાઓના અનુસંધાને બદલી કરાયેલા અધિકારીઓને નવી જગ્યાએ હાજર થવા માટે તાત્કાલિક અસરથી છુટ્ટા થવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.