- કારચાલક વેપારી સંતરામપુર થી ઝાલોદ હાઇવે માર્ગ ઉપરથી પસાર થતા સમયે ઝોકું આવતા અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા.
ફતેપુરા,ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં દિન- પ્રતિદિન વાહન ચાલકોની બેદરકારીથી નાના-મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે. જેમાં વધુ એક બનાવ આજરોજ બપોરના 12:00 વાગ્યાના અરસામાં સંતરામપુર તરફથી ઝાલોદ જતા હાઈવે માર્ગ ઉપર સુખસર પાસે આવેલા બચકરિયા ખાતે હાઈવે માર્ગ ઉપરથી બલેનો કાર ચાલક પસાર થઈ રહ્યા હતો. તેવા સમયે બલેનો કાર નંબર જીજે-07-ડીઇ-8375ના ચાલકે પોતાના કબજાની ગાડીને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી ગાડી ઉપરથી કાબુ ગુમાવતા કાર હાઇવે માર્ગ ઉપર થી નીચે ઉતરી ગઈ હતી અને હાઇવે માર્ગની બાજુમાં આવેલા બાવળના વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી ગાડીના આગળ તથા એન્જિનનો ભાગ ફુરચે ફુરચા ઉડી ગયો હતો. જ્યારે આ ગાડી ચાલકને માથામાં તથા પગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ અકસ્માત ગ્રસ્ત કારમાં માત્ર ચાલક એકલોજ હતો અને ચાલકને ઝોકું આવી જતા આ અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. તેમજ કારચાલક બાલાસિનોર સાઈડનો રહેવાસી હોવાનું પણ જાણવા મળે છે. અકસ્માત બાબતે સુખસર પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઇ કારનો કબજો મેળવ્યો હોવાનું જાણવા મળે છે.