પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરની પત્ની પરનીત કૌર ભાજપમાં જોડાયા

ચંડીગઢ, લોક્સભા ચૂંટણીને લઈને પંજાબમાં હવે રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો વિવિધ રાજ્યોમાં પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. દરમિયાન, પટિયાલાના સાંસદ અને પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહની પત્ની પરનીત કૌર આજે ભાજપમાં જોડાયા છે. માનવામાં આવે છે કે ભાજપ તેમને પટિયાલા બેઠક પરથી લોક્સભા ચૂંટણીમાં ઉતારી શકે છે.

પરનીત કૌર પંજાબની પટિયાલા સીટથી ચાર વખત કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે. ભાજપ તેમને પટિયાલાથી સીટ આપી શકે છે કારણ કે તે છેલ્લા ૨૫ વર્ષથી પટિયાલા લોક્સભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ સાથે જ ૩૦ વર્ષમાં આ પહેલીવાર બનશે જ્યારે આ સીટ પરથી બીજેપીનો કોઈ ઉમેદવાર ચૂંટણી લડશે.

નોંધનીય છે કે કોંગ્રેસે ૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપમાં પરનીતને સસ્પેન્ડ કરી દીધા હતા. જો કે, પરનીત કૌરે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ન હતું કારણ કે તે લોક્સભાનું સભ્યપદ ગુમાવવા માંગતા ન હતા. પરનીત પર આક્ષેપો થયા હતા કે તે સતત ભાજપના કાર્યક્રમોમાં હાજરી આપતા હતા. એટલું જ નહીં તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ ભાગ લીધો ન હતો.