ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટી. રજૂ કરતા ભાંડો ફૂટ્યો

ભાવનગર, ભાવનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી કારસ્તાન કરતા પકડાયા છે. રજા લેવા માટે સાચેપરા હોસ્પિટલનું બીમારીનું ખોટું મેડિકલ સર્ટીફિકેટ રજૂ કર્યું હતું. ઉપરી અધિકારીને બીમારી અંગે શંકા જતા વધુ તપાસ કરાવતા મહિલાએ ખોટું મેડિકલ સર્ટીફિકેટ બનાવી રજા લીધી હોવાનું સામે આવતા મહિલા કર્મચારી અને ડોક્ટર વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી તેમજ ખાતાકીય તપાસ કરવામાં આવશે.

ભાવનગર મહાનગરપાલિકામાં સ્ટોર વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીને ખોટું તબીબી સર્ટીફિકેટ રજૂ કરવું ભારે પડ્યું છે. મહિલા કર્મીએ સ્કોન્ડેલિસિસની બીમારી હોવાથી ૩૦ દિવસની રજા લેવી પડે તેમ છે, તેવું બીમારીનું ખોટું નાટક કરી ડોકટર પાસે ખોટું મેડિકલ સર્ટીફિકેટ બનાવી ઉપરી અધિકારી સમક્ષ રજૂ કર્યું હતું. જોકે, મહિલા કર્મી હિમાનીબેન સોલંકીએ ઓફિસમાં ૨૩ દિવસની રજી લીધી હતી. આથી શંકા જતા તેની ઊંડી તપાસ શરૂ કરવામાં આવી હતી.

મહિલાના ઘરે તેમના પરિવારને પણ આ અંગે પૂછપરછ કરાઈ હતી. ઉપરાંત, સાચેપરા હોસ્પિટલ તરફથી સંતોષકારક જવાબ ન મળતાં શંકા વધુ ઘેરી બની હતી. આથી મહિલાએ ખોટું મેડિકલ સર્ટીફિકેટ બનાવી રજા લીધી હોવાનું સામે આવતા મહિલા કર્મીનો ભાંડો ફૂટ્યો છે.

ભાવનગર મનપા દ્વારા મહિલા કર્મચારી અને ડોક્ટર વિરૂદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવશે. તપાસ બાદ નોકરીમાંથી બરતરફ કરવું, વગેરે જેવી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.