મોરબીમાંથી ફરી ઝડપાયો નશાકારક સિરપનો કારોબાર, ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી ઝડપાયો જથ્થો

મોરબી, ગુજરાતમાં સિરપના નામે નશાનો કાળો કારોબાર ચાલતો હોવાનો છેલ્લા કેટલાય સમયથી સામે આવી રહ્યુ છે, ત્યારે ફરી એક વખતે આવો જ નશાનો વેપલો સામે આવ્યો છે. મોરબીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી ૧૦ હજાર બોટલ નશીલી સીરપ ઝડપાઇ છે. સમગ્ર મામલે એનડીપીએસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

મોરબીમાં લાતી પ્લોટમાં આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી નશીલી સીરપ ઝડપાઇ છે. અહીંથી નશીલી સીરપની ૧૦ હજાર બોટલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અંદાજીત ૨૦ લાખ રુપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. સમગ્ર મામલે ટ્રાન્સપોર્ટ ઓફિસના કર્મચારીની અટકાયત કરવામાં આવી છે.આ નશીલી સીરપ રાજકોટથી મગાવવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી છે. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે એનડીપીએસ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.

આ પહેલા મોરબીમાં જ રંગપર ગામની સીમમાં ગોડાઉન ભાડે રાખી ચોખાની આડમાં નશાકારક સિરપના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો હતો. આ કેસમાં ત્રણ આરોપીને ઝડપી લેવાયા હતા એલસીબીની ટીમે બાતમીના આધારે આર ટાઈલ્સ નામના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. જે દરમિયાન નશાકારક કોડીન યુક્ત સિરપનો જંગી જથ્થા સાથે ગોડાઉન સંચાલક સહિત ૩ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂપિયા ૧.૮૫ કરોડની કિંમતની ૯૦ હજાર સિપરની બોટલો સહિત ૨ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.