ગુજરાતમાં ૩ દિવસ બાદ તાપમાનમાં વધારો થવાની આગાહી કરાઇ

અમદાવાદ, રાજ્યમાં હવે શિયાળો તેના અંતિમ તબક્કામાં છે. ત્યારે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે. આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૩ દિવસ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે અને તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી સુધીનો વધારો થવાની સંભાવના છે.

હાલ રાજ્યમાં લોકો બેવડી ૠતુનો અનુભવ કરી રહ્યા છે. ઉત્તર પશ્ર્ચિમ ઉતરના પવન ફૂંકાતા સવારે અને સાંજે ઠંડી જ્યારે બપોરના સમયે ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. જો કે, ત્રણ દિવસ સુધી તાપમાન યથાવત રહેવાની સંભાવના છે. પરંતુ, ૩ દિવસ પછી પવનની દિશા બદલાતા તાપમાન વધવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૩ દિવસ બાદ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે.

જણાવી દઈએ કે, છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી, વડોદરામાં ૩૪.૪ ડિગ્રી, સુરતમાં ૩૪.૨ ડિગ્રી, રાજકોટમાં ૩૫ ડિગ્રી, દ્વારકામાં ૨૭.૮ ડિગ્રી, ભુજમાં ૩૩.૭ ડિગ્રી, ડિસામાં ૩૪.૨ ડિગ્રી અને વેરાવળમાં ૩૦.૩ ડિગ્રી સુધી નોંધાયું છે. જ્યારે આવનારા ૩ દિવસો બાદ તાપમાનમાં વધારો થતા ગરમીમાં વધારો થઈ શકે છે.