વોટબેંકની રાજનીતિને કારણે સીએએનો વિરોધ

નાગરિક્તા સંશોધન અધિનિયમ ડિસેમ્બર ૨૦૧૯માં સંસદના બંને સદનોમાં પસાર થયો હતો. ચાર વર્ષના વિલંબ પછી અંતે તેની પાત્રતા અન પ્રક્રિયા સંબંધી વિસ્તૃત નિયમાવલી ભારતના રાજપત્રમાં અધિસૂચિત કરી દેવામાં આવી. તેનાથી આ અધિનિયમના અમલનો માર્ગ ખૂલી ગયો. આ મોદી સરકારની એક નિર્ણાયક પહેલ છે. ભારતીય બંધારણની કલમ ૫ થી ૧૧ સુધી નાગરિક્તાના નિયમ નિર્ધારિત કરાયા છે. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણ લાગુ થતાં જ બ્રિટિશ ભારતમાં જન્મ લેનારાઓને એ જ દિવસથી ભારતની નાગરિક્તા મળી ગઈ, પરંતુ જે લોકો પૂર્વ-રજવાડાંના નિવાસી હતા, તેમના માટે ૧૯૫૫માં નાગરિક્તા કાયદો બનાવીને એ બધાને ભારતની નાગરિક્તા આપવામાં આવી. આ કાયદામાં સમયે સમયે જેમ કે ૧૯૮૬, ૧૯૯૨, ૨૦૦૩ અને ૨૦૦૫માં ગોવા, દમણ-દીવ અને દાદરા અને નગર હવેલી, પુડુચેરી વગેરે ઉપરાંત બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે ભૂમિ વિવાદોને ઉકેલીને ભારતમાં ભેળવવામાં આવેલાં ક્ષેત્રોમાં રહેતા લોકોને ભારતની નાગરિક્તા આપવા માટે સંશોધન કરવામાં આવ્યાં. આ જ ક્રમમાં મુસ્લિમ બહુલ પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં મજહબી આધાર પર પ્રતાડિત અલ્પસંખ્યકો – હિંદુ, શીખ, ઇસાઇ, બૌદ્ઘ, જૈન અને પારસી સમુદાયને ભારતની નાગરિક્તા આપવા માટે નાગરિક્તા સંશોધન અધિનિયમ, ૨૦૧૯ પસાર થયો.

રાજપત્રમાં અધિસૂચિત નિયમાવલીમાં નાગરિક્તા પ્રાપ્ત કરવાની તમામ અડચણો દૂર કરવા માટે જટિલ પ્રક્રિયાનું સરળીકરણ કરવામાં આવ્યું છે. જો કોઈની પાસે પ્રમાણપત્ર નથી તો તેને પણ સોગંદનામું આપીને પોતાની પાત્રતા સંબંધી ઘોષણા કરીને નાગરિક્તા માટે આવેદન કરવાની સુવિધા હશે. આ જ ક્રમમાં ગ્રામ પંચાયત, નગરપાલિકા અથવા નગર નિગમો વગેરે સ્થાનિક નિગમો દ્વારા જારી પ્રમાણપત્રને પણ માન્યતા પ્રદાન કરવામાં આવી છે. કલેક્ટર કાર્યાલયની જગ્યાએ હવે આ આવેદન કેન્દ્રીકૃત ઓનલાઇન પોર્ટલ પર કરી શકાશે. પહેલાં નાગરિક્તા કાયદામાં અભ્યર્થી દ્વારા જમા કરવામાં આવતા માન્ય દસ્તાવેજોની યાદી બહુ સીમિત હતી. હવે તેને ઘણી વ્યાપક બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય પીડિત લોકોને ત્વરિત લાભ આપવાનો છે. નાગરિક્તા કાયદાનો કેટલાય પક્ષો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે, જે મુસ્લિમ તુષ્ટીકરણની પરંપરાગત રાજનીતિને કારણે જ છે. કેટલીક રાજ્ય સરકારો દ્વારા પણ નાગરિક્તા કાયદાને અમલમાં લાવવાનો વિરોધ કરાઈ રહ્યો છે. આ વ્યર્થનો વિરોધ છે, કારણ કે નાગરિક્તા સંઘ સૂચિનો વિષય છે. એ તથ્યથી કોઈ મોં ન ફેરવી શકે કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુ, શીખ, ઇસાઇ, જૈન, બૌદ્ઘ અને પારસી વગેરે અલ્પસંખ્યક સમુદાયો સાથે અમાનવીય વ્યવહાર અને સતામણી થાય છે. આ મુસ્લિમ બહુલ પડોશી દેશોમાં ચાલતી મજહબી સતામણીને કારણે ભારતમાં વિસ્થાપિત લોકોની સંખ્યા સમય સાથે સતત વધી છે.

અલ્પસંખ્યકોના સંરક્ષણ માટે થયેલી નેહરુ-લિયાક્ત સમજૂતીના પાલનમાં પાકિસ્તાન ધરાર નિષ્ફળ જતાં ત્યાં સતાવેલા ધામક અલ્પસંખ્યકોને સ્વીકારવા આપણું બંધારણીય દાયિત્વ છે. પાકિસ્તાન સાથે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં જે લોકો મજહબી કારણોથી પ્રતાડિત છે, જેમનાં ઘરબાર છૂટી ગયાં છે, શું તેમને સામાન્ય જીવન જીવવાના અધિકારથી પણ વંચિત કરી દેવા? શું ભારતે એ લોકોની ઉપેક્ષા કરવી જોઇએ, જેઓ વિભાજન પહેલાં તેના જ નાગરિક હતા અને જેમણે અલગ દેશ નહોતો માંગ્યો? ઉપરોક્ત ત્રણેય દેશોમાં અલ્પસંખ્યક જે આસ્થાને પોતાના જીવનથી વધુ મૂલ્યવાન માને છે, એ જ આસ્થાને કારણે તેમને અપમાન, ઉપેક્ષા અને ઉત્પીડન સહન કરવું પડે છે. ૭૫ વર્ષ પહેલાં તેઓ આ જ દેશના નાગરિક હતા, એટલે સ્વાભાવિક છે કે તેઓ પોતાની માતૃભૂમિ ભારત પાસે જ શરણ અને સહાયતાની આશા રાખશે.