ટોરેન્ટો, કેનેડાની સરહદેથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ ત્રણ ભારતીય નાગરિકો સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુએસ બોર્ડર પેટ્રોલ દ્વારા ધરપકડ કરાયેલા ચાર લોકોમાં એક મહિલા પણ સામેલ છે. આ તમામ બફેલો શહેરમાં ઈન્ટરનેશનલ રેલરોડ બ્રિજ ક્રોસ કરતી માલગાડીમાંથી કૂદી રહ્યા હતા.
ચોથો વ્યક્તિ ડોમિનિકન રિપબ્લિકનો હોવાનું જાણવા મળ્યું છે. મહિલાને ઈજાઓ થવાથી તે દોડી શક્તી ન હતી અને પોલીસને નજીક આવતી જોઈ તેઓએ મહિલાને એકલી છોડી દીધી હતી. જોકે, પોલીસે પીછો કરીને તમામને પકડી લીધા હતા. ઇજાગ્રસ્ત મહિલાને એરી કાઉન્ટી શેરિફના ડેપ્યુટીઓ અને યુ.એસ. કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન દ્વારા સારવાર આપવામાં આવી હતી અને પછી એમ્બ્યુલન્સ દ્વારા સ્થાનિક તબીબી કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે તમામ બિન-નાગરિક હતા અને દસ્તાવેજો વગરના હતા. ત્રણેય ભારતીયોને બટાવિયા ફેડરલ ડિટેન્શન ફેસિલિટીમાં મોકલવામાં આવ્યા છે અને તેઓ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ ૨૧૨ અને ૨૩૭ હેઠળ દેશનિકાલની સુનાવણીનો સામનો કરશે.