કાઠમાંડૂ, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ’પ્રચંડ’એ સંસદમાં વિશ્વાસ મત જીત્યો હતો. ગઠબંધન બનાવવા અને તોડવાને કારણે નેપાળ લાંબા સમયથી રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે.કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (માઓઇસ્ટ સેન્ટર)ના પ્રચંડને ૨૭૫ સભ્યોના પ્રતિનિધિ ગૃહમાં ૧૫૭ મત મળ્યા હતા. તેમની પાર્ટી ગૃહમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી છે.
કાઠમંડુના નયા બાનેશ્ર્વર સ્થિત સંસદ ભવનમાં મતદાન દરમિયાન કુલ ૨૬૮ સાંસદો હાજર હતા. ૧૧૦ સાંસદોએ પ્રચંડ વિરુદ્ધ મતદાન કર્યું જ્યારે એક સભ્ય મતદાનથી દૂર રહ્યો. વિશ્વાસ મત જીતવા માટે પ્રચંડને ૧૩૮ મતની જરૂર હતી.
સ્પીકર દેવ રાજ ઘીમીરેએ આ જાહેરાત કરતા કહ્યું કે, ’વડાપ્રધાને વિશ્વાસ મત જીત્યો છે.’ તાજેતરમાં, પ્રચંડે નેપાળી કોંગ્રેસ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું અને નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી (યુનિફાઇડ માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ) સાથે હાથ મિલાવ્યા હતા, જેના કારણે ગૃહમાં મતદાન થયું હતું. દોઢ વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે પ્રચંડને ગૃહમાં વિશ્વાસ મત માંગવો પડ્યો છે. બંધારણીય જોગવાઈઓ અનુસાર, કોઈપણ ભાગીદાર શાસક ગઠબંધન છોડી દે તે પછી વડાપ્રધાને વિશ્વાસ મત મેળવવાની જરૂર છે.
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસથી અલગ થયા પછી પ્રચંડને તેમની બહુમતી સાબિત કરવી પડી હતી. હવે તેઓએ નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી (યુનિફાઈડ માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ) સાથે ગઠબંધન કર્યું છે, જેનું નેતૃત્વ નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી કરશે. ઓલી પ્રચંડના સૌથી મોટા ટીકાકારોમાંના એક છે. પ્રચંડ ૨૫ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા.