
કોલકતા, પશ્ચિમ બંગાળની હાવડા લોક્સભા સીટ પર પ્રસૂન બૅનરજીને ફરી ઉમેદવારી અપાતાં તૃણમૂલ કૉન્ગ્રેસ (ટીએમસી)નાં સુપ્રીમો મમતા બૅનરજીના ભાઈ બબુન બૅનરજીએ નારાજગી વ્યક્ત કરી હતી. આના પરિણામે મમતાએ પોતાના નાના ભાઈ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. મમતા બૅનરજીએ કહ્યું હતું કે ’દરેક ચૂંટણી પહેલાં તે (બબુન બૅનરજી) સમસ્યા ઊભી કરે છે. હું લાલચુ લોકોને પસંદ કરતી નથી અને વંશવાદની રાજનીતિમાં પણ નથી માનતી કે હું તેને ચૂંટણીમાં ટિકિટ આપીશ. મેં તેનો અસ્વીકાર કરવાનો અને તેની સાથેના તમામ સંબંધો કાપી નાખવાનો નિર્ણય લીધો છે.’
બબુન બૅનરજીએ હાવડાના વર્તમાન સંસદસભ્ય પ્રસૂન બૅનરજીની પસંદગી બદલ તૃણમૂલની ટીકા કરતાં જણાવ્યું હતું કે ‘પ્રસૂન બૅનરજી યોગ્ય પસંદગી નથી. તેમના સિવાય ઘણા સક્ષમ ઉમેદવારો હતા જેમની અવગણના કરવામાં આવી છે.’ બબુન બૅનરજીએ ઉમેર્યું હતું કે જો જરૂર પડશે તો તેઓ હાવડા લોક્સભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડશે. દરમ્યાન, એવી અટકળો પણ છે કે બબુન બૅનરજી બીજેપી સાથે જોડાઈ શકે છે. જોકે તેમણે આ વાત પાયાવિહોણી ગણાવી હતી. મમતા બૅનરજીએ કહ્યું હતું કે બબુન બૅનરજી જે ઇચ્છે એ કરી શકે છે, પક્ષ તેના સત્તાવાર ઉમેદવાર પ્રસૂન બૅનરજી સાથે છે.