પંચમહાલ જીલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ બાબતે સંકલનના અધિકારીઓની વિડિયો કોન્ફરન્સ યોજાઈ

ગોધરા,આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને લઈને પંચમહાલ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ જીલ્લા મેન પાવર મેનેજમેન્ટ નોડલ અને અધિક જીલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમાના અધ્યક્ષસ્થાને જીલ્લા સંકલનના અધિકારીઓ સાથે આદર્શ આચાર સંહિતાના અમલીકરણ બાબતે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.

વિડિયો કોન્ફરન્સમાં ટ્રેનિંગ મેનેજમેન્ટના નોડલ અને જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાએ આદર્શ આચાર સંહિતાના અમલીકરણ બાબતે સવિસ્તાર ચર્ચા કરી હતી.જેમાં બંધારણના આર્ટિકલ 324, આઈ.પી.સી. ચેપ્ટર 9 એ અંતર્ગત કલમ 171 એ થી લઈને 171 આઈ સુધી અને આર.પી.એક્ટ કલમ 125 થી લઈને 136ની વિવિધ ચૂંટણી બાબતોની જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ચૂંટણીમાં તમામને સમાન તક, મુક્ત,ન્યાયી, પારદર્શિત અને શાંતિપૂર્વક ચૂંટણી યોજવી, ચૂંટણીની ગાઈડલાઈન મુજબ કાર્ય થાય, આચારસંહિતાના ભંગ બદલ ફોજદારી કાર્યવાહી બાબતે માર્ગદર્શન આપ્યું હતું.

આ સાથે આચારસંહિતા દરમિયાન શું કરી શકાય,શું ના કરી શકાય તે બાબતે તેમણે જણાવ્યું કે, યોજનાઓની જાહેરાત કરી શકાતી નથી, લીકર, ભેટ વગેરે આપી શકાય નહિ, ફાઇનાન્સિયલ ગ્રાન્ટની જાહેરાત કરી શકાતી નથી,ખાતમુર્હુત કરી શકાતા નથી, રોડ,રસ્તા બાંધવાના વચન વગેરેની જાહેરાત બંધ,ભરતી,નિમણૂક બંધ,સરકારી વ્હિકલનો ઉપયોગ ફક્ત ચૂંટણીમાં રોકાયેલા લોકો જ ઉપયોગ કરી શકશે. આદર્શ આચાર સંહિતાના અમલના પ્રથમ 24 કલાક દરમિયાન ગવર્મેન્ટ પ્રોપર્ટીમાં પોસ્ટર, બેનર, કટ આઉટ, કેલેન્ડર, છબીઓ વગેરે હટાવી લેવામા આવશે. નેશનલ લીડરની છબીઓ રાખી શકાય છે. આગામી 48 કલાક દરમિયાન પબ્લિક પ્રોપર્ટી અંતર્ગત બસ સ્ટેશન, દિવાલો પર જાહેરાતનું લખાણ વગેરે દૂર કરવાનું રહે છે. 72 કલાકના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્તાર અંતર્ગત વિવિધ જાહેરાતો દૂર કરવાની રહે છે. સભા, સરઘસ, રેલી વગેરેની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે. સ્ટાર પ્રચારકો માટેના કોનવેમાં એક સાથે 10 જ ગાડી રાખી શકાશે,10 થી વધુ ગાડી પર બ્રેક અપ રાખવાનું રહેશે. ઉમેદવારોના નોમિનેશન વખતે 100 મીટરના અંતરમાં ફક્ત ત્રણ જ ગાડી રાખી શકાશે.આ સાથે તેમણે સી.વિજીલ એપ બાબતે વિસ્તૃત માહિતી આપી હતી.

વિડિયો કોન્ફરન્સમાં એમ.સી.સી.ના નોડલ અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કવિતાબેને જણાવ્યું કે,તમામ નોડલ અધિકારીઓ સમયમર્યાદામાં કામગીરી કરે તથા સજાગ રહીને સમયસર રિપોર્ટિંગ કરવા કહ્યું હતું.

અધિક જીલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમાએ આચારસંહિતા થી લઈને ચૂંટણીમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ પોતાના કાર્યક્ષેત્ર અંતર્ગત જવાબદારી નિભાવે તથા પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેમ જણાવ્યું હતું.

વિડિયો કોન્ફરન્સ બેઠકમાં જીલ્લા અને તાલુકાના તમામ નોડલ અધિકારીઓએ ઉપસ્થિત રહીને આદર્શ આચાસંહિતાના અમલીકરણ બાબતે માર્ગદર્શન મેળવ્યું હતું.