ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત સરકાર આગામી યુથ ઓલમ્પિક ૨૦૨૯ અને ઓલિમ્પિક ૨૦૩૬ના અમદાવાદમાં આયોજન માટે સજ્જ થઈ રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વિકાસના રોલ મોડલ તરીકેની ઓળખને સ્પોર્ટ્સ ક્ષેત્રે વૈશ્ર્વિક કક્ષાની રમતોના રાજ્યમાં આયોજનથી નવાં સીમાચિહ્નો સર કરાવવા આગામી યુથ ઓલમ્પિક ૨૦૨૯ અને ઓલમ્પિક ૨૦૩૬ના યજમાન બનવા ગુજરાતે અત્યારથી જ તૈયારીઓ આરંભી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રમત-ગમત રાજ્યમંત્રીશ્રી અને રમત-ગમત અગ્ર સચિવશ્રી તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે તાજેતરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.ઔડા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ એન.જી.ઓ એ આ પ્રારંભિક તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેરની હદને અડીને આવેલા વિસ્તારોમાં કેટલાક પ્રોજેક્ટ્સ અમલી બનાવવાનું શરૂ કર્યું છે.આ સંદર્ભમાં વિસ્તૃત વિવરણ બેઠકમાં આપવામાં આવ્યું હતું તથા અમદાવાદ મહાનગરની આસપાસના વિસ્તારોમાં આ બે વૈશ્ર્વિક સ્તરના રમતોત્સવ માટે કયા પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ ઊભી થઈ શકે તથા એ માટે જુદા જુદા હિતધારકોનો સહયોગ અને સંકલન થઈ શકે તે માટે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતા માં યોજાયેલી બેઠકમાં ઘનિષ્ઠ ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ-ઔડા દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં સુવિધાઓ ઉભી કરવાના આયોજન સાથોસાથ અમદાવાદના પશ્ર્ચિમ વિસ્તારમાં એસ.પી.રીંગરોડના બહારના વિસ્તારમાં પણ આવી વ્યાપક અંતરમાળખાકીય સુવિધા ઉભી કરવા અંગે પરામર્શ થયો હતો.સરદાર પટેલ રિંગરોડની પશ્ર્ચિમ તરફ ઔડાના ડી.પી.માં સૂચિત ૯૦ મીટર પહોળા રીંગરોડ તથા બોપલ-પલોડીયાના ૩૬ મીટર રોડની આસપાસના મણિપુર, ગોધાવી, ગરોડીયા વિસ્તારોમાં નોલેજ એન્ડ સ્પોર્ટ્સ કોરિડોર નિર્માણ કરવા બાબતે પણ આ બેઠકમાં વિચારણા થઈ હતી.
ઓલમ્પિક ૨૦૩૬ના આયોજન સંદર્ભે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો અને ઔડા દ્વારા ગોધાવી વિસ્તારમાં થોડા સમય પૂર્વે જમીન અંગે સર્વે કરવામાં આવ્યો હતો તેની જાણકારી મુખ્યમંત્રીશ્રીને આ બેઠક દરમિયાન આપવામાં આવી હતી. ઓલમ્પિકના આયોજન માટે આ વિસ્તારમાં જમીનોના થયેલ સર્વેની સમીક્ષા કરવા અને સૂચિત સ્પોર્ટ્સ, સ્કિલ, નોલેજ ઝોન અમલી થાય તે માટેની જરૂરી કાર્યવાહી સત્વરે કરવા સૌ સંબંધીતોને જરૂરી દિશાનિર્દેશ આ બેઠકમાં આપવામાં આવ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારને સ્પોર્ટ્સ, સ્કિલ, એજ્યુકેશન માટેના ઝોન તરીકે વિકસિત કરવા માટે સર્વે, જમીન સંપાદન, પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપનાં વિકલ્પો વગેરેની સમીક્ષા કરીને તથા તમામ સંબંધિત સ્ટેક હોલ્ડર્સનો સમાવેશ કરીને આ દિશામાં આગળ વધવા તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ સત્વરે કેવી રીતે ઊભી થઈ શકે તે માટેનું સમયબદ્ધ આયોજન કરવાની વિચારણા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી.એટલું જ નહીં, સુચિત સ્પોર્ટ્સ, સ્કિલ, નોલેજ ઝોનને કનેક્ટિવિટીના હેતુસર બી.આર.ટી.એસ અને મેટ્રો રેલ દ્વારા કેવી રીતે જોડી શકાય તે અંગે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અભ્યાસ કરવા માટેના જરૂરી નિર્દેશ આપ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા આ આંતર માળખાકીય સગવડો ઊભી કરવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના વિકલ્પો અંગે પણ આ બેઠકમાં વિચારણા થઈ હતી તથા અમદાવાદ શહેરની પશ્ર્ચિમના આ સૂચિત વિસ્તારને સ્પોર્ટ્સ, સ્કિલ, નોલેજ/ઇન્સ્ટીટ્યુટ ઝોન અથવા સ્પેશિયલ ઝોન તરીકે જ વિકસિત કરવા માટે પણ જરૂરી વિચારણા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠકમાં કરવામાં આવી હતી.