કાલોલ,
પંચમહાલ જિલ્લામાં બેફામ રીતે ચાલતા માટી અને રેતીના ગેરકાયદેસર ધંધા ઉપર ખાણ ખનીજ વિભાગના અધિકારી અવારનવાર રેડ કરતા હોય છે. પરંતુ સમગ્ર પંચમહાલ જિલ્લામાં તપાસમાં નીકળેલા અધિકારીઓની દેખરેખ રાખી રેતી અને માટી ખનન કરનાર ખનીજ માફિયાઓનું એક મોટું ગૃપ રાત દિવસ ધમધમતું હોય છે. જેના કારણે ખનીજ વિભાગના અધિકારીઓને રેતી અને માટી ચોરતા ખનીજ માફિયાઓ સુધી પહોંચે તે પહેલા જ તેમના ૂવફતિંફાા ગૃપો દ્વારા સંદેશ આવો મળી જતા હોય છે. જોકે, ખાણ ખનીજ વિભાગ પણ ચતુરતા પૂર્વક અચાનક સ્થળ પર પહોંચી ગેરકાયદેસર થતા રેતી અને માટી ચોરી કરતા ખનીજ માફિયાઓને ડામવા માટે સફળ બનતું હોય છે.
કાલોલ તાલુકાના વરવાડા ગામે ધમધમતા ઈટોના ભઠ્ઠાના માલિકો સરકારને અંધારામાં રાખી રોયલ્ટીની ચોરી કરવા માટે છુપી રીતે ભઠ્ઠાઓ ચલાવવા માટે માટેની હેરાફેરી કરતા હોય છે. જોકે, આ વર્ષે તમામ ઈંટોના ભઠ્ઠાના સંગઠનો દ્વારા પંચમહાલ જિલ્લાના તમામ પીઠોના ભઠ્ઠા બંધ રાખવા માટે અને સરકાર સામે બાયો ચડાવી આવેદનપત્રો ધરી લીધા હતા. સંગઠના પ્રમુખોએ આવેદનપત્રોમાં સરકાર તેમની યોગ્ય માંગણીઓ પૂર્ણ નહીં કરે ત્યાં સુધી પોતાના ઈંટોના ધંધાઓ બંધ રાખવાનો મોટો નિર્ણય કર્યો હતો. પરંતુ જાણે સરકારની આંખમાં ધૂળ નાખવા જતા હોય તેમ ગેરકાયદેસર અને છુપી રીતે ઈંટોના ભઠ્ઠાઓની તૈયારીઓ કરવા માટે ખાણ ખનીજ વિભાગની રોયલ્ટી લીધા વગર માટી ખનન કરતા ધંધાદારીઓ સામે પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગે લાલા આંખ કરી છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ જીસીબી મશીન અને બે ટ્રેક્ટરો ઝડપી પાડ્યા હતા. સૌપ્રથમ કાલોલ તાલુકાના નેસડા પાસે બે દિવસ અગાઉ ખાણ ખનીજ વિભાગે છાપો મારી એક જીસીબી મશીન અને બે ટ્રેક્ટર ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ કાલોલ તાલુકાના વરવાડા ગામેથી 3 નવેમ્બરના રોજ ખાણ ખનીજ વિભાગે અચાનક રેડ કરતા ગુજરાત મીનરલ રૂલ્સ -2017 મુજબ નિયમ ત્રણના ભંગ બદલ નિયમ-12(2) મુજબ ખાણ ખનીજ એ વિભાગે બે જીસીબીને ઝડપી પાડી કાલોલ પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક જીસીબી કાલોલ તાલુકાના અલવા ગામના કિશન પટેલ હોવાનું જાણવા મળી રહ્યું હતું. જ્યારે અન્ય એક જીસીબી મધવાસ ગામના રહેવાસી મનુભાઈ ભરવાડ હોવાનું ખાણ ખનીજ વિભાગની તપાસમાં બહાર આવ્યું હતું. જોકે, બંને જીસીબીના માલિકો પાસેથી ઈંટના ધંધાદારીઓ ભાડે મશીન લઈ જઈ કામ કરતા હોવાનું લોક ચર્ચા દ્વારા જાણવા મળી રહ્યું છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા બંને જીસીબી મશીનને કાલોલ પોલીસ મથકે જપ્ત કરી અંદાજિત 50 લાખનો મુદ્દા માલ જપ્ત કરી કાલોલ પોલીસના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે, ખાણ ખનીજની કામગીરી સામે ખનીજ માફિયાઓમાં ગુરૂવારના રોજ દોડધામ મચી ગઇ હતી. જેવા બે જીસીબી મશીન પોલીસ સ્ટેશનમાં આવતાની સાથે અનેક ખનીજ માફિયાઓ અને જીસીબીને બચાવ કામગીરી કરવા માટે ચ્હા-પાણીના ફિરાગમાં ફરતા હોવાનું પણ લોકચર્ચામાં જાણવા મળી રહ્યું હતું. પરંતુ પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની લાંબા સમયની મહેનત રંગ લાવી હવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે, ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની કામગીરી સામે કેટલાક ખનીજ માફિયાના આકાઓ નારાજ થયા હતા. સમગ્ર કાલોલ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ જીસીબી અને બે ટ્રેક્ટર ખાણ ખનિજ વિભાગ દ્વારા જપ્ત કરી દેતાં ખનીજ માફિયાઓમાં ભારે ફાફડાટ મચી જવા પામી હતી.