હિંમતનગરમાં અસામાજીક તત્વો બેફામ ! પેલેસ્ટાઇન અને ગાઝાના સમર્થનમાં લખાણ ચિતરાયા

હિંમતનગર શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃત્તિઓ દિવસે દિવસે વધતી જઇ રહી હોય એવી સ્થિતિ છે.. ચોરી અને લૂંટફાટ બાદ હવે વિવાદા પ્રેરનારી ઘટનાઓ સામે આવી રહી છે. હિંમતનગર શહેરના એ ડિવિઝન પોલીસ મથકથી 100-150 મીટર દૂર રહેલા આંબાવાડી અંડરબ્રિજની દિવાલો પર અસામાજીક તત્વો દ્વારા ગાઝા અને પેલેસ્ટાઇનના સમર્થન કરતા લખાણ ચિતરવામાં આવ્યા છે.

સવારે લોકોની નજરમાં આ લખાણ નજર આવતા જ હવે મામલો ચર્ચાએ ચડ્યો છે. શહેરી વિસ્તારમાં પોલીસની હાજરી વધુ ચૂસ્ત બનાવવા માટેની માંગ કરવામાં આવી છે. સાથે જ અસામાજીક તત્વોની અવરજવર ધરાવતા માર્ગો પર પણ પોલીસની હાજરી વધારવાની માંગ વર્તાઇ છે.

આંબાવાડી અંડરબ્રિજની દિવાલો પર રાત્રી દરમિયાન કોઇ અજાણ્યા શખ્શોએ આ લખાણ લખ્યા હોવાની વિગતો સામે આવી છે. જે મુજબ બ્લેક ઈન્ક સ્પ્રે કરીને આ લખાણ ચિતરવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે. અંગ્રેજી માં કાળી શાહી વડે LONG LIVE GAZA અને LONG LIVE PALESTINE ના ચિત્રામણ કરવામાં આવ્યું છે. શાંતિમય વાતાવરણ વચ્ચે આ પ્રકારણના લખાણ લખવાને લઈ સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.

આ પ્રકારના ચિત્રામણને પગલે હવે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે અને તેને ત્વરીત દૂર કરવાની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. તો સાથે જ આવા લખાણ લખીને સરકારી મિલકતોને ગંદી કરનારાઓ સામે સખત પગલા ભરવાની પણ માંગ કરવામાં આવી છે.

પહેલા પણ બ્રિજની દિવાલો પર બિભત્સ શબ્દોને લખવામાં આવ્યા હતા. અહીંથી વિસ્તારના અનેક કોલો વેપાર અને શાળા કોલેજ માટે પસાર થતા હોય છે. આવા સમયે અહીં અંડર પાસમાં દિવાલો પર લખાણ લખવાને લઈ સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો. જોકે તે અશ્લિલ શબ્દોના લખાણને સફેદ કલર કરીને દૂર કરીને રોષ ઠારવવાનો પ્રયાસ કર્યો હતો.

હવે અસમાજીક તત્વોએ ફરી એકવાર આવા હીન કૃત્ય કરવા સમાન ચિત્રામણ કરીને શાંતી ડહોળવાનો પ્રયાસ કર્યો છે. જેને લઈ અંડર પાસમાં પ્રકાશ વધારવાનો અને સીસીટીવી કેમેરા પણ લગાવવા માટેની માંગ કરવામાં આવી છે.