સુરત, ચોક બજાર વિસ્તારમાં ૧૮ વર્ષ પહેલા ચોરી થયેલ સોનાની ચેઇન પોલીસે મૂળ માલિકને પરત કરી છે. ઉલ્લેખનીય છે કે જેતે સમયે ૧૨ હજારની ચોરી સામે માલિકને ૧.૨૦ લાખનો મુદ્દામાલ પરત મળ્યો છે . વર્ષ ૨૦૦૬માં સુરતમાં આવેલા વિનાશક પૂર સમયે સોનાની ચેઇનની ચોરી થઈ હતી.
ન્યાયમાં વિલંબના ઘણા આક્ષેપો સામે આવે છે તો ઘણા કિસ્સાઓ પોલીસને વિવાદમાં ધકેલે છે . જોકે આ સામે એવો સામે આવ્યો છે કે ૧૮ વર્ષ બાદ મળેલા ન્યાયમાં ચોરી કરતા ૧૦ ગણો મુદ્દામાલ ફરિયાદીને પરત મળ્યો છે. વેડ રોડના પટેલ પરિવાર સાથે હકીક્તમાં આવું જ કંઈક બન્યું હતું. વર્ષ ૨૦૦૬નાં મહા વિનાશકારી પૂરમાં ચોરીના કિસ્સા પણ સામે આવ્યા હતા. આ સમયે ૧૨ હજારની કિંમતની સોનાની ચેઇન ચોરીની ફરિયાદ પોલીસને મળી હતી.
વેડ રોડ ધ્રુવતારક સોસાયટીમાં રહેતાં અંજનાબેન હસમુખ પટેલના ઘરમાં પણ પાણી ઘૂસી જતાં ખુબ નુક્સાન થયું હતું. અધૂરામાં પૂરું તેમના ઘરને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ગયા હતા. આ ઘટના બાદ થોડાં સમય પછી ચોર પકડાઈ ગયા હતા . મુદ્દામાલ પણ રિકવર કરાયો હતો. અદાલતનો આદેશ ન હોવાથી ચોકબજાર પોલીસ મથકની તિજોરીમાં મુદ્દામાલ તરીકે ચેઇન જમા રાખવામાં આવી હતી.
આ વાતને આજે ૧૮ વર્ષ વીતી ગયા હતા. એક તબક્કે અછોડો મળવાની આશ ગુમાવી ચૂકેલાં પરિવારનાં ઘરે મંગળવારે દરવાજે ટકોરા પડયા હતા. દરવાજે પોલીસને જોઈ અંજનાબેન પહેલાં તો ગભરાયા હતા પણ પોલીસકર્મીએ કહ્યું કે તમારા ઘરમાં થયેલ ચોરના મુદ્દામાલ માટે પોલીસ સ્ટેશને હાજર થવા અધિકારીએ સૂચના મોકલી છે.
વર્ષ ૨૦૨૨માં કોર્ટ દ્વારા સોનાની ચેઇન અંજનાબેનને મળે તેવો આદેશ કરાયા હતા પરંતુ પ્રક્રિયા ક્યાંક અટકી પડી હતી.પોલીસ ઇન્સપેક્ટર વી.વી. વાગડીયાએ મહિલાને તેમના ઘરેથી ચોરી થયેલો બે તોલા વજનનો સોનાની ચેઇન પરત કરી હતી. ૧૮વર્ષે અછોડો પરત મળતાં મહિલાની આંખમાંથી પોલીસ ઇન્સપેક્ટરની હાજરીમાં જ આંસુ આવી ગયા હતા.અછોડો પરત મળ્યો ત્યારે સોનાનો ભાવ ૧૦ ગણો વધી ગયો છે.