પંચમહાલ જિલ્લામાં ઉર્દુ માઘ્યમની શાળાના અભાવે વિધાર્થીઓ અધવચ્ચે અભ્યાસ છોડવા મજબુર

ગોધરા, પંચમહાલ જિલ્લામાં ઉર્દુ માઘ્યમથી શાળા નહિ હોવાથી અસંખ્ય વિધાર્થીઓ માઘ્યમિક વિભાગમાં આવતા જ અભ્યાસ છોડી દેવા મજબુર બન્યા છે.

પંચમહાલ જિલ્લામાં હાલ કુલ 10 ઉર્દુ શાળા આવેલી છે. જેમાં ધો-1 થી 8માં 5 હજાર જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ જિલ્લામાં ઉર્દુ માઘ્યમની એક પણ માઘ્યમિક કે ઉચ્ચતર માઘ્યમિક શાળા નથી. જેના કારણે બાળકો માત્ર ધો-8 સુધીનો જ અભ્યાસ કરી શકે છે. આગળના વર્ગો નહિ હોવાથી અભ્યાસ કરવા માંગતા હોવા છતાં પણ વિધાર્થીઓને અભ્યાસ અધુરો છોડી દેવો પડે છે. ગત વર્ષે 2023માં જિલ્લાના ધો-9ના 212 વિધાર્થીઓએ અભ્યાસ છોડ્યો હતો. જિલ્લામાં દર વર્ષે અંદાજિત 800 વિધાર્થીઓ અભ્યાસ અધુરો છોડી દેતા હોય છે. અથવા તો અમદાવાદ કે સુરત જેવા શહેરોમાં જવુ પડે છે. ગત શનિવારે ગોધરાની ઝકરીયા ઉર્દુ શાળાના ધોરણ-8નો અભ્યાસ પુર્ણ કરેલ વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં 83 વિધાર્થીનીઓ હતી. આ પ્રસંગે આગળ અભ્યાસ કરતા માંગતા વિધાર્થીઓ શાળાના શિક્ષકો સાથે ચર્ચામાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. તેમજ તેમના વાલીઓમાં પણ બાળકોના ભવિષ્યને લઈ ચિંતા જોવાતી હતી. તેમાંય વિધાર્થીઓને તેમના વાલીઓ સુરત કે અમદાવાદ મોકલવા રાજી થતાં હોય છે. પરંતુ વિધાર્થીનીઓને માતા-પિતા બહાર મોકલવા તૈયાર થતા નથી. જેથી દર વર્ષે અંદાજે 150 વિધાર્થીનીઓ અભ્યાસ છોડી દેતી હોય છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીથી માંડીને શિક્ષણ મંત્રી સુધી રજુઆત થઈ શકે છે. પરંતુ હજુ સુધી આ મુદ્દે કોઈ નકકર કાર્યવાહી કરાઈ નથી.