- મંત્રી ડો કુબેરભાઈ ડીંડોરના હસ્તે આયુષ્યમાન હેલ્થકાર્ડ અને પીપીઇ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
મહીસાગર, મહીસાગર જીલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા સામાજીક ઉત્થાન અને રોજગાર આધારીત જન કલ્યાણ ( PM SU-RAJ) પોર્ટલ લોન્ચિંગ કાર્યક્રમ ડો. બાબા આંબેડકર ભવન, મોટા સોનેલા ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકાર હંમેશા છેવાડાના માનવીની પ્રાથમિક જરૂરીયાતો સંતોષાય અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ રહી છે. વડાપ્રધાનએ સ્વચ્છતા અભિયાન થકી દેશને સ્વચ્છ કરવાનું ભગીરથ કાર્ય કર્યુ છે. જેમાં સૌથી વધુ યોગદાન સફાઈ કર્મચારીઓનું રહ્યુ છે.
કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ-સુરજ રાષ્ટ્રીય પોર્ટલનું વર્ચ્યુંઅલ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને વર્ચ્યુઅલ કાર્યક્રમને નિહાળ્યો હતો.
આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું.
મહીસાગર જીલ્લા સહિત દેશના 522 જીલ્લાઓના 1 લાખથી વધુ જઈ, ઘઇઈ અને સફાઇ કામદારોને ક્રેડિટ સપોર્ટ તથા સફાઈ કામદારોને આયુષ્યમાન હેલ્થકાર્ડ અને પીપીઇ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જીલ્લા કલેકટર નેહા કુમારી, જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પૂર્વ ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક, કાળુભાઇ માલીવાડ, પ્રોબેશનલ આઇ.એ.એસ. મહેક જૈન, પ્રાયોજના વહીવટદાર, પ્રાંત અધિકારી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.