ઈઝરાયલ-હમાસ જંગ વચ્ચે અજીત ડોભાલે નેતન્યાહૂ સાથે મુલાકાત કરી

ગાઝા, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી હતી. વાત જાણે એમ છે કે, આ મુલાકાત દરમિયાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિશે માહિતી આપી હતી. બેઠક દરમિયાન હમાસના બંધકોની મુક્તિ અને ઈઝરાયેલ તરફથી માનવતાવાદી સહાય અંગે પણ ચર્ચા થઈ હતી. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ આ મીટિંગની માહિતી સોશિયલ મીડિયાના એક્સ હેન્ડલ પર શેર કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના નિર્દેશક, વડાપ્રધાનના વિદેશ નીતિ સલાહકાર અને ઈઝરાયેલમાં ભારતીય રાજદૂત પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક જેરુસલેમમાં વડાપ્રધાન કાર્યાલયમાં થઈ હતી.

રિપોર્ટ્સ અનુસાર હમાસ રમઝાન મહિના દરમિયાન ગાઝા પટ્ટીમાં સતત યુદ્ધવિરામની વાત કરી રહ્યું છે. હમાસે કહ્યું છે કે, અમે હંમેશા યુદ્ધવિરામની વાટાઘાટો માટે તૈયાર છીએ. સમજૂતીને લઈને ઘણી વખત બેઠકો યોજાઈ હતી પરંતુ ઈઝરાયેલના કારણે બેઠકોનું કોઈ પરિણામ આવ્યું ન હતું. રવિવારે ફરી એકવાર હમાસના વડા ઈસ્માઈલ હનીયેહે કહ્યું કે, તેઓ ગાઝામાં યુદ્ધવિરામ માટે વાટાઘાટો કરવા તૈયાર છે.

ગાઝામાં રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થયો છે અને બોમ્બ ધડાકા વચ્ચે લોકોએ ઉપવાસ શરૂ કર્યા છે. લોકો પાસે ખાદ્યપદાર્થો નથી. ઈઝરાયેલના હુમલામાં ક્ષતિગ્રસ્ત ઘરોની વચ્ચે જગ્યા શોધીને નમાઝ અદા કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આવા સંજોગોમાં પણ લોકો દરરોજ એક્સાથે તેમના દરવાજા ખોલે છે. ઘણી જગ્યાએથી નાચતા અને ગાતા બાળકોના અવાજો આવી રહ્યા છે, જ્યારે લાઉડસ્પીકરમાંથી અઝાનનો અવાજ સંભળાઈ રહ્યો છે. હમાસની કાર્યવાહી પછી ઇઝરાયેલના હુમલાઓને કારણે ગાઝા પટ્ટીમાં બધું બદલાઈ ગયું છે.