હવે પાકિસ્તાની હિંદુઓ ખુલ્લીને શ્વાસ લઈ શકશે,પાકિસ્તાની ક્રિકેટર

ભારતમાં નાગરિક્તા સંશોધન કાયદો (સીએએ) અમલમાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે સીએએ કાયદાના અમલીકરણની સત્તાવાર જાહેરાત કરી છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી અને પારસી લોકોને ભારતીય નાગરિક્તા મેળવવાનું સરળ બનાવશે. પાકિસ્તાનના હિન્દુ ક્રિકેટર દાનિશ કનેરિયાએ કાયદાના અમલ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયા હંમેશા નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને સમર્થન આપે છે.સીએએ કાયદાના અમલ પછી, કનેરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું  પાકિસ્તાની હિન્દુઓ હવે ખુલ્લીને શ્ર્વાસ લઈ શકશે. ત્યારબાદ કનેરિયાએ વધુ એક ટ્વિટ કર્યું. જેમાં તેમણે લખ્યું- નાગરિક્તા સંશોધન કાયદાને લાગુ કરવા માટે નરેન્દ્ર મોદી જી અને અમિત શાહ જીનો આભાર.

કનેરિયાએ ઘણી વખત કહ્યું છે કે હિંદુ હોવાને કારણે તેમને પાકિસ્તાનમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. કનેરિયાએ ૨૦૦૦ થી ૨૦૧૦ વચ્ચે પાકિસ્તાન માટે ૬૧ ટેસ્ટ અને ૧૮ વન ડે રમી હતી. તે પાકિસ્તાન ક્રિકેટમાં ખૂબ જ લોકપ્રિય હતા. તે ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન માટે સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર છે. તેમણે કુલ ૨૬૧ વિકેટ લીધી છે. કનેરિયાનું નામ ૨૦૧૨માં ફિક્સિંગ સ્કેન્ડલમાં આવ્યું હતું, જે બાદ તેમની કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી. કનેરિયા પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર અનિલ દલપતના પિતરાઈ ભાઈ છે. અનિલ પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર પ્રથમ હિન્દુ ક્રિકેટર છે.