સુરતના ડાયમંડ બુર્સને એક સપ્તાહમાં ૧૨૫ કરોડની બેંક ગેરંટી જમા કરાવવા કોર્ટનો આદેશ

સુરત : વિશ્વના સૌથી મોટા ડાયમંડ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું બાંધકામ કરનાર પીએસપી કંપની દ્વારા સુરત ડાયમંડ બુર્સ પાસે બાકી રહેલી રૂા. ૬૦૦ કરોડની રકમ બાબતે કોર્ટ પ્રકરણ બાદ આજે સુરતના સ્પેશિયલ કોમર્શિયલ કોર્ટ તરફથી કરાયેલા હુકમમાં સુરત ડાયમંડ બુર્સને ચાર સપ્તાહમાં ૧૨૫ કરોડની બેન્ક ગેરન્ટી જમા કરાવવાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે.

વિશ્વ વિખ્યાત સુરત ડાયમંડ બુર્સનું બાંધકામ કરનાર પીએસપી પ્રોજેક્ટ્સ કંપની લિમિટેડ દ્વારા કંપનીના બાંધકામ પેટેની ફી સહિત અન્ય મળીને રૂા. ૬૦૦ કરોડની બાકી રકમ હોવા બાબતે કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. આ દાવા સામે સુરત ડાયમંડ બુર્સ દ્વારા સ્ટે ઓર્ડર મેળવવામાં આવ્યા બાદ વધુ સુનાવણી સુરતની કોર્ટમાં ચાલી હતી. આ સુનાવણી દરમિયાન આજે સુરતની સ્પેશિયલ કોમર્શિયલ જજ અને પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ તરફથી કરાયેલા હુકમ મુજબ સુરત ડાયમંડ બુર્સને આગામી ચાર સપ્તાહમાં ૧૫૦ કરોડની બેન્ક ગેરન્ટી જમા કરાવવાનો આદેશ કર્યો છે.

વધુમાં અત્રેની કોર્ટે પોતાના હુકમમાં જણાવ્યું છે કે, સુરત ડાયમંડ બુર્સ તરફથી જ્યાં સુધી બેન્ક ગેરન્ટી જમા કરાવવામાં નહીં આવે ત્યાં સુધી સુરત ડાયમંડ બુર્સ તેમની વેચાણ માટે બાકી રહેલી ઓફિસો કે અન્ય પ્રોપર્ટીની હરાજી કરી શકશે નહીં કે તે ભાડે આપી શકશે નહીં. આ સાથે થર્ડપાર્ટી રાઇટ્સ પણ ઊભા કરવા નામદાર કોર્ટ દ્વારા મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે. પીએસપી પ્રોજેક્ટ લિ. કંપની દ્વારા સુપ્રીમ કોર્ટના સિનીયર એડવોકેટ મિનાક્ષી અરોરા તથા હાઇકોર્ટના વકીલ ભગીરથ પટેલની દલીલોને માન્ય રાખીને અત્રેની કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. આ સાથે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રૂા. ૬૦૦ કરોડના દાવા બાબતની સુનાવણી પેન્ડિંગ રહી છે.

અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનને પાછળ છોડીને તે ભારતમાં બનેલી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ તરીકે ઓળખાય છે. 80 વર્ષ સુધી પેન્ટાગોન વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ હતી. જોકે આ ખિતાબ હવે ગુજરાતના સુરતમાં બનેલી આ ઈમારત દ્વારા લેવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાં ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર પણ છે.