અમદાવાદ, વિદેશ મોકલવાની લાલચ આપીને વડોદરાના યુવક સાથે ઠગાઈ કરનાર અમદાવાદના એજન્ટની પોલીસે ધરપકડ કરી છે. આરોપી એજન્ટ સૌરભ મધુવર્ષીનીએ વડોદરાના ધ્રવુ પટેલ નામના યુવકને કેનેડા મોકલવાના નામે રૂપિયા ૧૪ લાખ ૪૫ હજારની ઠગાઈ આચરી હતી. આ કેસમાં દિલ્લી અને કોલકાત્તાના એજન્ટની પણ સંડોવણી ખુલતા પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીએ કોલકાત્તામાં રહેતા રોહિત નામના એજન્ટ સાથે મળીને વડોદરાના ધ્રુવ પટેલ પાસેથી રૂપિયા પડાવ્યા હતા. આરોપીએ કેનેડા, ન્યુઝિલેન્ડ અને યુએઈના વર્ક પરમિટના બનાવટી કોલ લેટર મોકલીને ધ્રુવ પટેલ પાસેથી પૈસા લીધા હતા. એજન્ટ સૌરભ ખોખરા વિસ્તારમાં વિઝા કન્સલ્ટન્સીના નામે અનેક લોકો સાથે ઠગાઈ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી સૌરભ મધુવર્ષી વિરુદ્ધ જમીન છેતરપીંડી અને વિઝાના નામે ઠગાઈના અનેક ફરિયાદ થઈ છે. આ કેસમાં ધ્રુવ પટેલ નામનો ૨૩ વર્ષીય યુવક વડોદરામાં પરિવાર સાથે રહે છે. ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ તે વિદેશ જવાના સપના સેવી રહ્યો હતો. આ દરમ્યાન ધ્રુવ પટેલ વડોદરામાં સ્વામિનારાયણ મંદિર ગયો હતો. ત્યાં તેની મુલાકાત શૈલેષભાઈ પટેલ નામના વ્યક્તિ સાથે થઈ હતી અને તેના સંપર્કથી ૨૦૨૩માં સૌરભના પરિચયમાં આવ્યો હતો..શરૂઆતમાં ધ્રુવે પોતે યુકે જવાની ઈચ્છા દર્શાવી હતી. પરંતુ ઠગ સૌરભે યુકેમાં હાલ વર્ક વિઝા નથી મળતાં તેમ કહીને કેનેડામાં વર્ક વિઝા મળી જશે તેમ કહીને ધ્રુવને વાતોમાં ભોળવી દીધો હતો.અને ધ્રુવ પટેલે કેનેડા જવા તૈયારી બતાવી હતી.
આ તરફ બાદમાં આરોપીએ કેનેડા મોકલી આપવા માટે રૂ. ૧૨ લાખ માગ્યા હતા. ધ્રૂવ પટેલે પિતાના એકાઉન્ટમાંથી વર્ષ ૨૦૨૩ના જૂન મહિનામાં ૭૫ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યાર બાદ અલગ અલગ લોકોના એકાઉન્ટ નંબર આપીને સૌરભે અને તેના સાથીએ ભેગા મળીને વર્ષ ૨૦૨૩ના ડિસેમ્બર મહિના સુધીમાં રૂ. ૧૪ લાખ ૪૫ હજાર કઢાવી લીધા હતા. બાદમાં કોઈપણ જાતના સ્ટેમ્પિંગ વિનાનો પાસપોર્ટ બંનેએ કુરિયર મારફતે મોકલી આપતા ભાંડો ફૂટ્યો હતો. આ કૌભાંડમાં કોલકાતામાં રહેતા રોહિત કુમાર નામના એજન્ટનું પણ નામ સામે આવ્યું છે. કોલક્તા અને દિલ્હીના એજન્ટો ના કનેક્શન ને લઈને ખોખરા પોલીસે આરોપી સૌરભ ના ૧૦ દિવસના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે.