લોક્સભાના નવા સમીકરણ છતી કરશે આરપારની વાસ્તવિક્તા

લોક્સભાની ચૂંટણીની વિધિવત જાહેરાત હવે થવાની ચર્ચા છે ત્યારે ભાજપ દેશનાં ૨૮માંથી ૧૨ રાજ્યોમાં સત્તા ધરાવે છે. રાજકીય નકશા પર ૫૮% જમીની વિસ્તાર અને ૫૭% લોકો પર ભાજપનું રાજ હોવાની વાત છે. કોંગ્રેસ પાર્ટીની સરકાર તેલંગાણા, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં છે. તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી વિરુદ્ધ મત આપનારા છ ધારાસભ્યો ઉપરાંત ત્રણ અપક્ષ ધારાસભ્યો ચર્ચામાં છે. ડિસેમ્બર-૨૦૧૭ સુધીમાં ભાજપ પાસે ૭૮ ટકા રાજ્યોમાં પોતાના સહયોગીઓ સાથેની સત્તા એનડીએ સાથે ૬૯ ટકા વસ્તી પર ભાજપનું રાજ હતું. ૨૦૧૪માં મોદી સરકાર સત્તામાં આવી ત્યારે ભાજપ પાસે ગુજરાત, રાજસ્થાન, મધ્યપદેશ, ગોવા અને છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં સત્તા હતી, પરંતુ ત્યારબાદ ભાજપે વધુ ૧૨ જેટલા રાજ્યોમાં સત્તા પ્રાપ્ત કરી. ભાજપની સત્તાનો વિસ્તાર પૂર્વોત્તરનાં રાજ્યો આસામ, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, મિઝોરમ વગેરેમાં નોંધપાત્ર રીતે થયો. રસપ્રદ વાત એ પણ છે કે ૨૦૧૯ની ચૂંટણી પહેલાં ભાજપે મધ્યપદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં સત્તા ગુમાવી હતી, પરંતુ લોક્સભામાં આ ત્રણેય રાજ્યોમાં આવેલી ૬૫ લોક્સભા બેઠકો પૈકી ૬૩માં વિજય હાંસલ કર્યો એ નરેન્દ્રભાઈ મોદીની વ્યક્તિગત લોકપ્રિયતાને કારણે શક્ય બન્યું. ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી ૬૨ અને મહારાષ્ટ્રમાં ૪૮માંથી ૪૨ બેઠકો સહયોગીઓ સાથે પ્રાપ્ત કરી હતી, તો બિહારમાં નીતિશકુમારનો સાથ મળતાં ચિરાગ પાસવાન સાથેની યુતિને પગલે ભાજપના ગઠબંધનને ૪૦માંથી ૩૯ બેઠકો પ્રાપ્ત થઈ હતી. એ વાતમાં ભાજપે પશ્ચિમ અને ઉત્તર ભારતમાં વિજયની ધ્વજ લહેરવ્યો હતો. ગુજરાતમાં તો ૨૦૧૪ની માફક ૨૦૧૯માં પણ ૨૬માંથી ૨૬ બેઠકો જીતી હતી.

આ સમૃદ્વ ઇતિહાસ બાદ હવે આવનારા દિવસોમાં ૨૦૧૯ની પ્રાપ્ત થયેલી ૩૦૩ બેઠકો સામે ભાજપ હવે પોતાની તાકાત પર ૩૭૦ બેઠકો જીતવાનો દાવો કરે છે. જ્યાં ભાજપ પોતાનો દબદબો જાળવી શકશે તેમ નિશ્ર્ચિત જણાય છે. ચર્ચા બાકીના ભારતમાં પોતાનો સ્ટ્રાઇક રેટ સુધારવાની છે. પશ્ર્ચિમ બંગાળમાં ગત લોક્સભામાં ૪૨માંથી ૧૯ બેઠકો પ્રાપ્ત થયેલી. આંધ્રપ્રદેશમાં ભાજપે ચંદ્રાબાબુ નાયડુની તેલુગુદેશમ પાર્ટી અને જનસેના પાર્ટી સાથે ૨૦૨૪ લોક્સભા ઉપરાંત આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી લડવા માટે પણ સૈદ્ધાંતિક સમજૂતી સધાઈ છે. ચંદ્રાબાબુ નાયડુએ ભાજપ સાથે સમાધાન કરતાં કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. ૨૦૧૮માં આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો ન મળતાં ભાજપ સામે બળવો કરીને ચંદ્રાબાબુ નાયડુએ ભાજપ સાથે છેડો ફાડયો હતો અને હવે તેઓ પુન: મોદી સરકાર સાથે ગઠબંધન કરી રહ્યા છે જ્યાં લોક્સભાની ૨૫ બેઠકો છે. ઓડિશાની વાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક વચ્ચે નિકટના ઉષ્માભર્યા સંબંધો જોવા મળ્યા છે. નવીન પટનાયકે કેન્દ્રની સરકારને છેલ્લાં પાંચ વર્ષમાં તમામ રાજકીય કટોકટીમાં સાથ આપ્યો છે. પરંતુ ઓડિશામાં લોક્સભાની સાથોસાથ વિધાનસભાની ચૂંટણીઓ પણ થવા જઈ રહી છે ત્યારે ઘટનાક્રમ સૂચવે છે કે પટનાયકની બેઠકો અંગેની ૧૪૭ સભ્યોની વિધાનસભામાં અપેક્ષાઓ તથા માગણી ભાજપ સંતોષી શકે તેમ નથી. લોક્સભાની ૨૧ બેઠકો પર પણ સમાધાન થતું જણાતું નથી. જેમાં કેટલીક બેઠકો પર અહીં કોંગ્રેસને ફાયદો થતો હોય તેમ છે.

રાજકીય મોરચે લોક્સભા માટે ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારમાં કેવા રાજકીય ખેલ પડે છે એનાથી આવનારા દિવસોમાં રાજકીય ચિત્ર સ્પષ્ટ થતુ જશે. માયાવતીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ૨૦૨૪ લોક્સભાની ચૂંટણીમાં તેઓ એકલા હાથે જ ચૂંટણી લડશે. માયાવતીનો જનાધાર ઉત્તરપ્રદેશમાં અંદાજે ૨૦ ટકા જેટલો છે. ૨૦૧૪માં માયાવતીએ એકલા હાથે ચૂંટણી લડવાનું જોખમ ઊઠાવ્યું, તો તેમની પાર્ટીને ૧૯.૪૩ ટકા મતો મળ્યા, પરંતુ બેઠકો શૂન્ય રહેતા ૨૦૧૯માં ગઠબંધન કર્યું ત્યારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને કુલ ૧૫ બેઠકો પ્રાપ્ત થઈ, જે પૈકી સૌથી વધુ માયાવતીને ૧૦, અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને પાંચ, કોંગ્રેસની સોનિયા ગાંધીની રાયબરેલીની એક બેઠક મળી. છતાં ભાજપને ૧૨ બેઠકોનો ફટકો પડયો. ૨૦૧૪માં ૭૪ની જગ્યાએ ૨૦૧૯માં ભાજપને ૬૨ બેઠકો મળી હતી. ૨૦૧૪ અને ૨૦૧૯માં બન્ને લોક્સભામાં માયાવતીનો વોટશેર ૧૯.૪ ટકા જેટલો રહ્યો જ છે, પરંતુ ગઠબંધનમાં સાથે રહીને માયાવતીને ૧૦ બેઠકો મળી અને મહત્તમ નુક્સાન ભાજપનું થયું હતું. ઉત્તરપ્રદેશમાં ભાજપને જીત માટે ચતુષ્કોણીય જંગ વધુ ઇચ્છનીય ગણાય છે.