લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસથી એક મોટા સમાચાર સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગઇકાલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લોકસભા ચૂંટણી નહિ લડવાની જાહેરાત કર્યા બાદ હવે વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યું છે. વિગતો મુજબ પાર્ટીના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, કોંગ્રેસના ઉમેદવારોની સંભવિત રીતે આજે જાહેર થઈ શકે છે.
લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. આ તરફ ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોના કેસરિયા અને ગઇકાલે પૂર્વ પ્રમુખે પણ લોકસભા નહીં લડવાની જાહેરાત કરી હતી. આ બધાની વચ્ચે હવે મોટી અપડેટ સામે આવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ પાર્ટીએ પ્રચાર માટેની જવાબદારી આપી હોવાનું કહી લોકસભા ન લડવાની પાર્ટીને વિનંતી કરી છે.
પાર્ટીના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ X પર લખ્યું કે, મને અને મારા પરિવારને કોંગ્રેસ પાર્ટીએ દાયકાઓથી ઘણું આપ્યું છે. AICC જમ્મુ અને કાશ્મીરના પ્રભારી તરીકેની મારી વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક રીતે પ્રચાર કરી શકવા માટે હું આ ચૂંટણી ન લડવાની મારી ઈચ્છા હાઈકમાન્ડને નમ્રતાપૂર્વક જણાવું છું. તેમ છતાં કોંગ્રેસના આજીવન સૈનિક રહીને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે હું સ્વીકારીશ અને તેનું પાલન કરીશ.