હૈદરાબાદ,
એઆઇએમઆઇએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાત ચૂંટણી પહેલા યુનિફોર્મ સિવિલ કોડ કમિટી બનાવવાના મુદ્દાને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપે ગુજરાત ચૂંટણી પહેલા યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની રચના પોતાના ખોટા નિર્ણયો અને નિષ્ફળતાઓને છૂપાવવા માટે કર્યું છે.
બીજી બાજુ ગુજરાતમાં થનારી ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ નાગરિક્તાને લઈને મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતના બે જિલ્લાઓ આણંદ અને મહેસાણામાં રહેતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના અલ્પસંખ્યકોને નાગરિક્તા આપવામાં આવશે. ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં એમ પણ કહેવાયું છે કે ગુજરાતના આ બે જિલ્લાઓમાં રહેતા આ લોકોએ પોતાની અરજી ઓનલાઈન જમા કરાવવાની રહેશે. જેનું ચકાસણી જિલ્લા સ્તર પર કલેક્ટર દ્વારા કરવામાં આવશે. આ અંગે પણ ઓવૈસીએ નિવેદન આપતા આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે આમ પહેલેથી થઈ રહ્યું છે કે તમે પહેલા લાંબા ગાળાના વિઝા આપો અને પછી તેમને (અફઘાનિસ્તાનના અલ્પસંખ્યક સમુદાય) નાગરિક્તા મળી જાય. તમારે (સરકાર) આ કાયદાને ધર્મ તટસ્થ બનાવવો જોઈએ. સીએએને એનપીઆર અને એનઆરસી સાથે જોડવો જોઈએ. સુપ્રીમ કોર્ટ તેના પર સુનાવણી કરી રહી છે. જોઈએ શું થાય છે.
અસદુદ્દીન ઓવૈસીએ મોરબી દુર્ઘટના ઉપર પણ નિવેદન આપતા કહ્યું કે આ એક દર્દનાક ઘટના છે અમે આશા કરીએ છીએ કે પીએમ મોદી અને ગુજરાતની સરકાર મૃતકોના પરિજનોને ન્યાય અપાવશે જેથી કરીને પીડિતોના પરિજનોને ખાતરી થાય કે તેમને ન્યાય મળી રહ્યો છે. સરકારે જણાવવું જોઈએ કે આ લોકોના મોત કેવી રીતે થયા.
અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ ઓવૈસીએ શનિવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મત મેળવવા માટે અને પોતાના હિન્દુત્વના એજન્ડાને આગળ વધારવા માટે સમાન નાગરિક સંહિતાનો મુદ્દો ઉઠાવી રહ્યો છે. ગુજરાત સરકારે કહ્યું હતું કે તેઓ સમાન નાગરિક સંહિતા લાગૂ કરવા માટે એક સમિતિ બનાવી રહ્યા છે. રાજ્ય મંત્રીમંડળની શનિવારે બેઠક થઈ તે દરમિયાન સમિતિની રચનાને મંજૂરી આપવામાં આવી.
બનાસકાંઠાના વડગામમાં ઓવૈસીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે યુસીસીને લાગૂ કરવાનો કેન્દ્રનો અધિકાર છે, રાજ્યોનો નહીં. તેમણે કહ્યું હતું કે શું એ સાચું નથી કે બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે સમાન નાગરિક સંહિતા સ્વૈચ્છિક હોવી જોઈએ અનિવાર્ય નહીં. તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપ ફક્ત પોતાના હિન્દુત્વના એજન્ડા સાથે આગળ વધવા માંગે છે અને મત મેળવવા માટે ચૂંટણી પહેલા આવા મુદ્દાઓને ઉઠાવવાની તેની આદત છે.