રાજકીય ભ્રષ્ટાચારમાં ઘટાડાની આશા

નેતાઓની લાંચખોરી રોકવા માટે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વડાપ્રધાન અને વિપક્ષના નેતાઓએ તેનું સ્વાગત કર્યું છે. તેનાથી સ્પષ્ટ છે કે આ ચુકાદો લોક્તંત્રને મજબૂત કરવા અને રાજનીતિના શુદ્ઘિકરણની દિશામાં મહત્ત્વનું પગલું સાબિત થઈ શકે છે. આર્થિક સુધારા અને બાબરી ઢાંચાના વિધ્વંશ બાદ કોંગ્રેસની તત્કાલીન નરસિંહ રાવ સરકાર વિરુદ્ઘ સીપીએમે ૧૯૯૩માં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સરકાર બચાવવા માટે ઝારખંડ મુક્તિ મોરચાના ચાર સાંસદો સહિત ૧૨ સાંસદોને કરોડો રૂપિયાની લાંચ આપવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. સીબીઆઇએ નરસિંહા રાવ, બૂટા સિંહ, વીરપ્પા મોઇલી, અજિત સિંહ અને ભજનલાલ જેવા મોટા નેતાઓ વિરુદ્ઘ અપરાધિક ષડયંત્ર અને લાંચ માટે ચાર્જશીટ દાખલ કરી હતી. ટ્રાયલ કોર્ટમાં રાવ સહિત કેટલાય નેતાઓ અને કારોબારીઓને ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ ૧૯૯૮માં સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બેંચમાં ત્રણ જજોની બહુમતીથી રાવ વિરુદ્ઘ કેસ રદ્દ કરી દેવામાં આવ્યો. જજો અનુસાર, બંધારણના અનુચ્છેદ ૧૦૫(૨) અંતર્ગત સાંસદો અને ૧૯૪(૨) અંતર્ગત ધારાસભ્યોને સદનમાં બોલવા અને વોટ આપવાનો વિશેષાધિકાર છે તથા બંધારણીય સંરક્ષણ હોવાને નાતે તેમના વિરુદ્ઘ અપરાધિક કેસ ન નોંધાઈ શકે.

એ ચુકાદાથી ઝામુમોના પ્રમુખ શિબુ સોરેન પણ છૂટી ગયા હતા. કેટલાય વર્ષ બાદ ૨૦૧૨માં તેમની પત્ની સીતા સોરેન વિરુદ્ઘ રાજ્યસભા ચૂંટણીમાં વોટ આપવા માટે લાંચ લેવાની ફરિયાદ નોંધાઈ. નરસિંહા રાવ કેસના આધાર પર સીતા સોરેને પોતાના વિરુદ્ઘ અપરાધિક કેસને રદ્દ કરવા માટે અરજી દાખલ કરી હતી. પરંતુ ૨૦૧૪માં ઝારખંડ હાઇકોર્ટે તેમના કેસને રદ્દ કરવાનો ઇનકાર કરી દીધો. હવે દસ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટની સાત જજોની બેંચે સર્વસંમતિથી પાંચ જજોના જૂના ચુકાદાને પલટી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટથી શિબુ સોરેનને રાહત મળી ગઈ હતી, પરંતુ તેમનાં પત્ની સીતાને હવે કેસનો સામનો કરવો પડશે. લાંચ લઈને સદનમાં વોટ આપવા સાથે જોડાયેલા જૂના કેસમાં પી.વી. નરસિંહા રાવ અને જનતા દળના નેતા અજીત સિંહ પ્રમુખ પાત્રો હતા. દિલચસ્પ છે કે નરસિંહા રાવ અને અજીત સિંહના પિતા ચરણ સિંહને આ વર્ષે ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે. આ ચુકાદાનાં અનેક રોચક પાસાં છે. ૧૯૯૮ના ચુકાદામાં અલ્પમતવાળા બે જજોને ચુકાદાથી હવે સાત જજોની બેંચે પૂર્ણ સહમતિ વ્યક્ત કરી છે. જૂના ચુકાદામાં ભ્રષ્ટ નેતાઓને બંધારણ સંરક્ષણની આડમાં વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો હતો. નવા ચુકાદાથી સમાનતાનો સિદ્ઘાંત સાચા અર્થમાં લાગુ કરવામાં આવ્યો છે. બંધારણ અનુસાર માત્ર રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ વિરુદ્ઘ અપરાધિક કેસ નોંધી નથી શકાતો. વિધાનસભા અને લોક્સભાની અંદર સદસ્યોને અનેક વિશેષાધિકાર હાંસલ છે. તેથી વાંધાજનક ભાષણ માટે તેમના વિરુદ્ઘ સદનના નિયમો અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે, પરંતુ અપરાધિક કેસ નથી નોંધી શકાતો. આ જ રીતે સત્ર દરમ્યાન ધારાસભ્ય કે સાંસદની ધરપકડ વિશે સ્પીકરને સૂચના આપવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદા બાદ વિશેષાધિકારના નામે ધારાસભ્યો અને સાંસદોને ભ્રષ્ટ આચરણનું લાયસન્સ મળી ગયું હતું. હવે નવા ચુકાદા બાદ લાંચખોરીના તમામ કેસોમાં તેમના વિરુદ્ઘ અપરાધિક કેસ નોંધી શકાશે.

બંધારણીય પીઠના ચુકાદા અનુસાર સંસદીય વિશેષાધિકારો અંતર્ગત લાંચખોરીને બંધારણીય સંરક્ષણ મળેલું નથી. આ ચુકાદાની અસર પૂર્વ સાંસદ મહુઆ મોઇત્રાને પણ થવાની છે. મહુઆએ એ સ્વીકાર્યું છે કે તેણે સરકારી ઇમેલનો પાસવર્ડ ત્રીજા વ્યક્તિ સાથે શેર કર્યો હતો. તેના અનુસાર બધા સાંસદો એવું કરે છે, તેથી તેના વિરુદ્ઘ કોઈ અપરાધિક કેસ નથી બનતો, જ્યારે સીબીઆઇ અનુસાર મહુઆએ ઉદ્યોગપતિ પાસેથી પૈસા અને ગિટો લઈને સંસદમાં સવાલ પૂછ્યા, ત્યાર બાદ સ્પીકરે મહુઆને અયોગ્ય જાહેર કરી. જનપ્રતિનિધિઓના ભ્રષ્ટ આચરણ સાથે જોડાયેલ મોટું પાસું પદ અને પૈસા માટે પક્ષપલટો કરવાનું છે. એવા કેસોમાં બંધારણની દસમી અનુસૂચિ અંતર્ગત સ્પીકરને અયોગ્યતા નક્કી કરવાનો અધિકાર છે. પરંતુ પક્ષપલટા મામલે ભ્રષ્ટ આરણનો અપરાધિક કેસ નથી બનતો. પરંતુ આ ચુકાદા બાદ પૈસા લઈને પક્ષપલટો કરનારા નેતાઓ અને રિસોર્ટ પોલિટીક્સના વધતા રિવાજ પર અંકુશ લાગશે. કાયદા અનુસાર ધારાસભ્યો અને સાંસદોને લોક્સેવક માનવામાં વિરોધાભાસ છે. આ બાબતે દાખલ જનહિત અરજીને ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. તેથી આ બાબતે સંસદે પણ સ્પષ્ટ કાયદો બનાવવાની જરૂર છે. ચૂંટણી બોન્ડ યોજનાથી પૈસા લેવાને સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટ આચરણ માન્યું હતું. એ જ રીતે રોકડ પૈસા લેવાની સાથે ગેરકાયદે રીતે ભેટ, સેવા અને પદ લેવું પણ ભ્રષ્ટાચારના દાયરામાં આવે છે. તેથી પાટલી બદલુ નેતાઓ વિરુદ્ઘ પણ કેસ નોંધાઈ શકે છે.