જાંબુઘોડા ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં બસો ફાળવાતા હાલોલ બસ સ્ટેન્ડ પર મુસાફરો રઝળ્યા

હાલોલ,
દક્ષિણ પંચમહાલના જાંબુઘોડા ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં લોકોને સભામાં લઈ જવા માટે અંદાજિત 1200 જેટલી એસ.ટી.બસો ફાળવી દીધી હતી. જેમાંથી ધણી બસોમાં 2,4,5,7,9 જેટલા જ લોકો સભા સાંભળવા જતા જોવા મળ્યા હતા. જયારે બીજી તરફ દિવાળીના તહેવારોમાં હાલોલ બસ સ્ટેન્ડ પર ઢગલા બંધ મુસાફરો એસ.ટી.બસ વિના રઝળતા જોવા મળ્યા હતા.

પ્રધાનમંત્રીનો ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન અંતિમ દિવસે જાંબુઘોડા ખાતે આદિવાસી સમાજના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતામુર્હુત પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા જનસભાને સંબોધન કરવામાં આવનાર હતી. જેને લઈ પંચમહાલમાંથી સભા સ્થળે લોકોને લાવવા-જવા માટે એસ.ટી.બસો ઉપયોગમાં ઉપયોગમાં લીધી હતી. જે એસ.ટી.બસોમાંથી ધણી બધી બસોમાં મુસાફરોની પાંખી હાજરી જોવા મળતી હતી. જયારે બારડોલી ખાતેથી આવેલી એક એસ.ટી.બસ કાલોલના લોકોને સભા સુધી લાવા લઈ જવા માટે મુકવામાં આવી હતી. જે બસમાં માત્ર પાંચ જ લોકો સભા સાંભળવા આવ્યા હતા. જયારે સિકકાની બીજી બાજુ દિવાળીના તહેવારમાં વેકેશન હોય લોકો મોટા પ્રમાણમાં બહાર નીકળતા હોય તેવા સમયે હાલોલ ડેપો ખાતે મુસાફરો બસ વિના રઝળી પડેલા જોવા મળતા હતા.