સંયુક્ત રાષ્ટ્ર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે સુદાનમાં લડતા જૂથોને મુસ્લિમ સમુદાયના પવિત્ર રમઝાન મહિના દરમિયાન સંઘર્ષને તાત્કાલિક બંધ કરવા અપીલ કરી છે. યુએનએસસીએ કહ્યું કે જો લડાઈ અટકે તો ૨ કરોડથી વધુ લોકોને ખાદ્ય ચીજવસ્તુઓ અને અન્ય સહાય પૂરી પાડવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે સોમવારથી રમઝાન મહિનો શરૂ થવાની સંભાવના છે. બ્રિટને સંઘર્ષને રોકવા અંગે સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં ૧૫ સભ્યોની કાઉન્સિલમાંથી ૧૪ દેશોએ સમર્થનમાં મતદાન કર્યું અને આ સમયગાળા દરમિયાન માત્ર રશિયા હાજર ન હતું. એપ્રિલ મહિનાથી સુદાનમાં અરાજક્તાનું વાતાવરણ છે.
જનરલ અબ્દેલ ફત્તાહ બુરહાનની આગેવાની હેઠળના દળો અને મોહમ્મદ હમદાન દગાલોની આગેવાની હેઠળની ’રેપિડ સપોર્ટ ફોસસ’ વચ્ચે લાંબા સમયથી ચાલતો તણાવ સંઘર્ષમાં ફેરવાઈ ગયો હતો. રાજધાની ખાર્તુમની શેરીઓથી શરૂ થયેલો આ સંઘર્ષ દેશના અન્ય ભાગોમાં પણ ફેલાઈ ગયો. આમાં અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ગુરુવારે બંને પક્ષોને રમઝાન દરમિયાન યુદ્ધવિરામ જાળવવા વિનંતી કરી. બુરહાને ગુટેરેસની અપીલને આવકારી હતી પરંતુ સુદાનના વિદેશ મંત્રાલયે શુક્રવારે એક યાદી બહાર પાડીને કહ્યું હતું કે યુદ્ધવિરામ માટે શરતો જરૂરી છે.
અહેવાલો અનુસાર, સુદાનના વિદેશ મંત્રાલયની યાદીમાં સામેલ ’રેપિડ સપોર્ટ ફોસસ’એ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તમને જણાવી દઈએ કે યુનાઈટેડ નેશન્સ ફૂડ એજન્સીના ટોચના અધિકારીએ બુધવારે ચેતવણી આપી હતી કે સુદાનમાં લગભગ એક વર્ષથી હરીફ સૈન્ય સેનાપતિઓ વચ્ચે ચાલી રહેલા વિનાશક સંઘર્ષને કારણે વિશ્ર્વની સૌથી મોટી ભૂખમરો સર્જાવાનો ભય છે. કટોકટી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના વડા સિન્ડી મેકકેને જણાવ્યું હતું કે સુદાનમાં ચાલી રહેલા સંઘર્ષે ઉત્તર આફ્રિકાના આ દેશમાં લાખો લોકોના જીવનને બરબાદ કરી દીધું છે. મેકકેને આ વાતો પાડોશી દેશ દક્ષિણ સુદાનની મુલાકાત પૂર્ણ કર્યા બાદ કહી હતી.