નિતેશ તિવારીની ’રામાયણ’માંથી વિજય સેતુપતિનું પાંદડું કપાયું?

મુંબઇ,નીતિશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આગામી ફિલ્મ ’રામાયણ’ ઘણા સમયથી ચર્ચામાં છે. ’એનિમલ’ સ્ટાર રણબીર કપૂર આ ફિલ્મમાં રામની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મમાં રણબીર, સાઈ પલ્લવી અને યશ અનુક્રમે રામ, સીતા અને રાવણની મુખ્ય ભૂમિકામાં છે. એવી અટકળો હતી કે રાવણના નાના ભાઈ વિભીષણની ભૂમિકા ભજવવા માટે દક્ષિણના અભિનેતા વિજય સેતુપતિનો સંપર્ક કરવામાં આવ્યો છે. જો કે હવે આ પાત્રને લઈને નવો રિપોર્ટ ફેન્સનો ઉત્સાહ વધારનાર છે.

અગાઉ એવા અહેવાલ હતા કે વિજય સેતુપતિ ફિલ્મ ’રામાયણ’માં વિભીષણના રોલમાં જોવા મળી શકે છે. સમાચાર અનુસાર, નીતિશ અને વિજય વચ્ચે ચર્ચા ચાલી રહી હતી, જેમાં વિજય રાવણના ભાઈ વિભીષણની ભૂમિકા ભજવવાની અટકળો લગાવવામાં આવી રહી હતી. એવી માહિતી મળી હતી કે નીતીશ તિવારીએ હાલમાં જ વિજય સાથે ફિલ્મની વાર્તા પર ચર્ચા કરવા માટે બેઠક કરી હતી. જો કે, હવે વિભીષણના રોલ માટે અન્ય એક અભિનેતાનું નામ સામે આવી રહ્યું છે, જેણે ચાહકોની ઉત્તેજના વધુ વધારી દીધી છે.

એક નવા રિપોર્ટ અનુસાર, હરમન બાવેજા નિતેશ તિવારીની ’રામાયણ’માં વિભીષણની ભૂમિકા ભજવી શકે છે. હરમન બાવેજાએ હંસલ મહેતાના શો ’સ્કૂપ’થી પુનરાગમન કર્યું છે, જેમાં તેણે જેસીપી હર્ષવર્ધન શ્રોફની ભૂમિકા ભજવી હતી. એવું લાગે છે કે હરમન બાવેજાને લંકાના રાજા રાવણના નાના ભાઈ તેમજ કુંભકર્ણ અને શૂર્પણખાના ભાઈ વિભીષણની ભૂમિકા નિભાવતા જોવા માટે રાહ જોવી યોગ્ય રહેશે. જો કે આ સમાચારની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

’રામાયણ’ની સ્ટાર કાસ્ટ ફાઈનલ થયા બાદ ફિલ્મનું શૂટિંગ આ મહિનાના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રણબીર કપૂરને ભગવાન રામની ભૂમિકામાં જોવા માટે તેના ચાહકો ખૂબ જ ઉત્સુક છે.