હિંમતનગર,તસ્કરોએ માઝા મૂકી હોય એવી સ્થિતિ વર્તાઈ રહી છે. ઘર આગળ કાર કે બાઈક અને ખિસ્સામાં મોબાઇલ સલામત નથી રહેતા અને મંદિરમાં દાનપેટી અને અલંકારો સુરક્ષીત નથી. ત્યાં વેપારીઓના ઘર પણ નિશાને ચડી રહ્યા છે, આવી સ્થિતિમાં હવે ખેતરમાં પણ પાક સલામત નથી રહ્યો. તસ્કરો ખેતરમાં રહેલી ખેતી પેદાશને પણ ભરી જઈને ચોરી આચરવાની ઘટના સામે આવી છે.
મંદિર, ઘર, શાળા અને વાહનો સુરક્ષિત રહ્યા નથી ત્યાં હવે ઇડર તાલુકામાં ખેડૂતના ખેતરમાંથી તૈયાર પાક તસ્કરો ચોરી કરી ગયા છે. જોકે પોલીસ મથકના ચોપડે ખેડૂતની ફરિયાદ નોંધાતા ૧૦ દિવસનો વખત લાગી ચૂક્યો છે.
ઓનલાઈનના જમાનામાં ફરિયાદ ૧૦ દિવસે નોંધાઈ હોવાની વિગત સામે આવી છે. જોકે કારણ દર્શાવવામાં આવ્યુ છે કે, આ અંગે આસપાસમાં તપાસ કર્યા બાદ હવે ફરિયાદ નોંધાઈ છે. જાદર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ઉમેદગઢના સંજય કાંતિભાઈ પટેલને સવા એકર જેવી જમીનમાં એરંડાની ખેતી કરી હતી. આ ખેતીમાં એરંડાનો પાક તૈયાર થતા તેને લણવામાં આવ્યો હતો. અને લણેલ પાકને યોગ્ય રીતે ખેતરના ખળામાં ગોઠવીને રાખ્યો હતો. પરંતુ એરંડાના લણેલ પાકને ચોખ્ખા કરવા માટે મજૂરોને ખેતરના ખળામાં મોકલતા સંજય પટેલને ધ્રાસ્કો પડતા સમાચાર મળ્યા હતા. જે કામ માટે શ્રમિકોને ખેતરમાં મોકલ્યા હતા, તેમને ખેતરમાં એરંડાના પાકનો ઢગલો જ જોવા મળ્યો નહોતો. જેને લઈ તેઓએ ખેતર માલિક સંજય પટેલને જાણ કરી હતી. જેથી તેઓ દોડતા ખેતરે પહોંચ્યા હતા અને ખેતરમાં ક્યાંય પણ એરંડીનો ઢગલો જોવા મળ્યો નહોતો.
સંજય પટેલે પોતાના ખેતરમાંથી લણેલ ૪૦ મણ જેટલા એરંડાના પાકને ખેતરમાં લીમડાના ઝાડ નીચે ઢગલો કર્યો હતો. લગભગ ૪૦ હજાર રુપિયાની કિંમતના આ પાક વડે તેઓને ઘરમાં આથક રીતે મહત્વનો ટેકો રહે એવી આશા હતી. પરંતુ આ દરમિયાન તસ્કરોએ ચોરી કરી લઇ જતા મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યુ હતુ. આસપાસમાં અને અન્ય સ્થળે તપાસ બાદ હવે ફરિયાદ ખેડૂત સંજય પટેલની ફરિયાદ જાદર પોલીસ મથકમાં નોંધાઈ છે. જાદર પોલીસે ગુનો નોંધીને તસ્કરોને શોધવા માટે પ્રયાસ શરુ કર્યો છે અને જે ઝડપાઈ જવાની આશા છે.