અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં આજે રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજયમાં પણ ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ અને સ્થાનિક જિલ્લા સેવા સમિતિઓ દ્વારા જિલ્લા-તાલુકા કોર્ટોમાં વિવિધ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આખા રાજ્યમાં ૪૬૪૯૧૯ કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં સુરતમાં સૌથી વધુ કેસોના નિકાલમાં પ્રથમ નંબરે છે. જ્યારે અમદાવાદ મેટ્રોકોર્ટ બીજા ક્રમઆવ્યો છે.
જેમાં ભદ્ર સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં યોજાયેલી લોક અદાલતમાં તો, મોટર વાહન અકસ્માતના એક કેસમાં મૃત્યુ પામનાર મૃતકના વારસોને વીમાકંપની તરથી ત્રણ કરોડ રૂપિયાના દાવા સામે રૂ.૧.૬૦ કરોડની માતબર રકમનું વળતર ચૂકવાયું હતું.આ જ પ્રકારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વીમાકંપનીએ આવા જ એક મૃતકના વારસોને રૂ.૯૦.૯૦ લાખનું ઉંચુ વળતર ચૂકવ્યું હતું. મેટ્રોપોલિટન કોર્ટોમાં કુલ ૧૫૫૧૪ કેસોમાંથી ૧૧૯૩૮ કેસોનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય લોક અદાલતમાં ઘી કાંટા ફેજદારી કોર્ટ(મેટ્રોપોલિટન કોર્ટ્સ), સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ભદ્ર અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે આંખે ઉડીને વળગે તેવી કેસોના નિકાલની નોંધપાત્ર કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં લોક અદાલતમાં ફેજદારી ગુનાઓ, નેગોશિએબલ ઇનસ્ટુમેન્ટ એકટ, મની રિકવરી, મોટર એક્સીડેન્ટ કલેઇમ, લેબર-અમ્પ્લોયર, વીજળી, પાણી, છૂટાછેડા સિવાયના લગ્ન તકરારના કેસો, જમીન તકરારના કેસો, નિવૃત્તિ લાભો સહિતના કેસોના નિકાલની કામગીરી હાથ ધરાઇ હતી. ભદ્ર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે મોટર વાહન અકસ્માતના વળતર અંગેના ૧૦૦થી વધુ કેસોનો સમાધાનકારી નિકાલ કરી તેમાં વળતરના હુકમો થયા હતા.
રાજયભરમાં યોજાયેલી લોક અદાલતમાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ સુરત પછી કેસોના નિકાલની કામગીરીમાં બીજા ક્રમે આવી છે. ઘીકાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટ સંકુલ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ ૨૭,૪૫૨ કેસનો નિકાલ કરાયો હતો., જયારે પ્રિલિટિગેશન ડિસ્પોઝલમાં ૪૬,૪૭૨ કેસો મળી કુલ ૭૩,૯૨૪ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. કાનૂની સેવા સત્તામંડળના પદાધિકારીઓ, ચીફ્ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એચ.એસ.દવે, અમદાવાદ ક્રિમિનલ કોર્ટસ બાર એસોસીએશનના પ્રમુખ ભરત એચ.શાહ સહિતના આગેવાનોની હાજરીમાં યોજાયેલી લોક અદાલતમાં કાનૂની સેવા સત્તામંડળ, મેટ્રોપોલિટન કોર્ટના લીગલ સેક્રેટરી અને ન્યાયાધીશ ડી.જે.પરમારે ૬૩૩થી વધુ કેસોનો નિકાલ કર્યો હતો.