દાહોદ,
દાહોદ શહેર નજીક ગલાલિયાવાડ ગામે સાપ પકડવા ગયેલા યુવકોને જુદા પ્રકારનો કરોળિયો જોવાયો હતો. પ્રકૃતિ પ્રેમી પ્રતિકભાઈનો સંપર્ક કરાતા તે કરોળિયાને સલામત રીતે પકડી પડાયો હતો. તપાસ બાદ આ ઝેરી કરોળિયો ગુજરાતમાં રેયર એવી ટેરંટુલા જ્ઞાતિનો હોવાનુ સામે આવ્યુ હતુ.
ગલાલિયાવાડ ગામે સાપ હોવાનો કોલ મળતા નિલેશ પસાયા સહિતના બે વોલિન્ટીયર્સ ત્યાં ધસી ગયા હતા. સાપ પકડવાની કામગીરી દરમિયાન તેમને સાપના દરની બાજુમાં થોડો ભયાનક અને મોટો અલગ પ્રકારનો જીવ જોવા મળ્યો હતો. આ કયો જીવ છે તે જાણવા માટે ફોટો પાડીને નિલેશ પ્રકૃતિ પે્રમી પ્રતિક જૈનને મોકલ્યો હતો. ફોટો જોઈને તેને સાથે લાવવાનુ જણાવાયુ હતુ. ત્યારબાદ પ્રતિક જૈન તેની જાતિની ઓળખ માટે મહારાષ્ટ્રના કીટર વિશેષજ્ઞને ફોટો મોકલ્યો હતો. ત્યારે આ ટેરંટુલા જ્ઞાતિનો ઝેરી કરોળિયો હોવાનુ સામે આવ્યુ હતુ. પ્રતિક જૈને જણાવ્યુ હતુ કે, કરોળિયો મુખ્યત્વે નિશાચર હોવાથી નજરમાં આવતો નથી. વિશ્ર્વના મોટામાં મોટા કરોળિયા 10 થી 12 ઈંચ જેટલા હોય છે દાહોદમાં મળ્યો એ કરોળિયો 5 ઈંચનો છે. કદાચ જુવિનાઈલ હોઈ શકે. આ કરોળિયાના ઝેરી દાંત એકથી દોઢ સે.મી.ના છે. એક પુખ્ત કરોળિયો કુતરા કે વાંદરાને મારવા સક્ષમ છે. પરંતુ મુખ્ય ખોરાક કિટકો હોય છે. સ્વભાવે શાંત અને શરમાળ કરોળિયો દિવસ દરમિયાન બખોલ કે જમીનની કેવિટીમામં રહે છે. રાત્રે શિકાર કરે છે. સામાન્ય રીતે મનુષ્ય માટે જોખમી નથી. પણ હેરાન કરવામાં આવે તો કરડી શકે છે. જો કે વીંછી કે મધમાખી કરતા થોડુ વધુ બળતરા વાળો દુ:ખાવો થાય છે.