નવીદિલ્હી, અભિનેત્રી સંભાવના સેઠે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક મોટી જાહેરાત કરી છે. સંભાવના સેઠે આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. સંભવનાએ કહ્યું કે તે દેશની સેવા કરવા માટે પાર્ટીમાં જોડાઈ હતી, પરંતુ હવે મને લાગે છે કે પાર્ટીમાં જોડાવું મારી ભૂલ હતી. લોક્સભા ચૂંટણી ૨૦૨૪ના સમયે સંભાવના સેઠે પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે.
સંભાવના સેઠે સોશિયલ મીડિયા હેન્ડલ એકસ પર પોસ્ટ કરીને કહ્યું કે હું એક વર્ષ પહેલા ખૂબ જ ઉત્સાહ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ હતી. જ્યારે હું આપમાં જોડાઇ હતી, ત્યારે હું મારા દેશની સેવા કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી, પરંતુ તમે ગમે તેટલા સમજદારીપૂર્વક નિર્ણયો લો, તમે ખોટા પડી શકો છો કારણ કે આપણે માત્ર માણસ છીએ. મારી ભૂલનો અહેસાસ થતાં હું સત્તાવાર રીતે આપમાંથી બહાર નીકળવાની જાહેરાત કરું છું.
રિયાલિટી શો સ્ટાર સંભવના સેઠ ૨૦ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ આમ આદમી પાર્ટીમાં જોડાઈ હતી. ફિલ્મોની સાથે સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસનો હિસ્સો રહેલી સંભાવના, આપની દિલ્હી ઓફિસમાં પાર્ટીની સભ્ય બની હતી. પાર્ટીની સભ્ય બનતી વખતે સંભાવના સેઠે કહ્યું હતું કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે ક્યારેય ડાન્સથી દૂર થઈને રાજકારણમાં જોડાઈ જશે. તેણે વધુમાં કહ્યું હતું કે રાજકારણનો હિસ્સો બનવું તેનો સ્વભાવ હતો પરંતુ તેણે ક્યારેય એવું વિચાર્યું ન હતું. સંભાવનાએ કહ્યું હતું કે હું દેશ માટે કંઈક સારું કરવા માંગુ છું. સંભવનાએ કહ્યું હતું કે તેણે ૧૨ વર્ષ પહેલા સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલ સાથે પણ વાત કરી હતી.