સતર્ક રહે ભારત

ચીન પોતાના રક્ષા બજેટમાં ૭.૨ ટકાનો તોતિંગ વધારો કરવા જઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫ માટે તેણે રજૂ કરેલા બજેટમાં તેની જાહેરાત કરવામાં આવી છે. જોકે હાલનાં વર્ષોનો ટ્રેન્ડ જોઇએ તો આ કોઈ નવી વાત નથી, પરંતુ કેટલીય વાતો એવી છે જે આ નિર્ણય તરફ ખાસ ધ્યાન ખેંચી રહી છે. ચીનના રક્ષા બજેટમાં કરવામાં આવેલો આ વધારો ઓછો ન કહેવાય, પરંતુ નિષ્ણાતો તો એમ જણાવી રહ્યા છે કે ચીન સરકાર રક્ષા પાછળ જેટલો ખર્ચ બતાવી રહી છે, વાસ્તવિક ખર્ચ તો એના કરતાંય ક્યાંય વધારે હશે. કારણ એ છે કે રક્ષા સાથે જોડાયેલા ઘણા બધા ખર્ચ તે બીજા વિષયમાં દેખાડી દે છે. ચીન સરકારે રક્ષા ખર્ચમાં વધારાનો આ નિર્ણય આથક મુશ્કેલીઓ છતાં કર્યો છે. ચીની ઇકોનોમી કેટલાય પ્રકારના પડકારોથી ઘેરાયેલી છે. આથક વિકાસની તેની ઝડપ ઓછી થઈ ગઈ છે. આ વર્ષ માટે સરકારે માત્ર ૫ ટકા વિકાસ દરનું લ-ય મૂક્યું છે, જે તેના માપદંડના હિસાબે ઓછું છે. તેમ છતાં કરવામાં આવેલ રક્ષા બજેટમાં વધારો તેની પ્રાથમિક્તા સ્પષ્ટ કરે છે.

ચીનના આ નિર્ણયને તેના વલણમાં આવેલી આક્રમક્તાના સંદર્ભે સમજી શકાય છે. તેનું તાજું દૃષ્ટાંત છે ચીન સરકાર દ્વારા જારી કરેલ એ રિપોર્ટ જેમાં તાઇવાનના સંદર્ભે ‘શાંતિપૂર્ણ એકીકરણ’નું વાક્યાંશ હટાવી દેવામાં આવ્યું છે. ચીનની સરકાર સૈન્ય ખર્ચમાં વધારાને અમેરિકા અને જાપાન જેવા દેશોના સૈન્ય ખર્ચમાં વધારાનો સંદર્ભ જોઈને સાચું ઠેરવે છે. ચીનની સૈન્ય ગતિવિધિઓ ભારત માટે પણ સીધો પડકાર ઊભો કરે છે. લદ્દાખ સાથે જોડાતી સીમા પર બંને પક્ષો વચ્ચે થયેલ અથડામણને ચાર વર્ષ થવાનાં છે. પરંતુ સીમા પર સૈન્ય તૈનાતી ઘટાડવાની સ્થિતિ બની નથી રહી. લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ સાથે જોડાતી સીમા પર તેના ૫૦ થી ૬૦ હજાર સૈનિક અને સિક્કિમ અને અરુણાચલ સાથે જોડાતી વાસ્તવિક નિયંત્રણ રેખા પર નેવું હજાર સૈનિકો હજુ પણ તૈનાત છે. આ ઉપરાંત તે ભારતની ઘેરાબંધીના પ્રયાસ પણ સતત કરતું રહે છે. પાકિસ્તાનને ભારે સૈન્ય સહાયતા આપીને ભારતની બંને તરફની આંતરરાષ્ટ્રીય સીમાઓ પર દબાણ બનાવી રાખવું તેની નીતિનો સ્થાયી હિસ્સો બનતું જાય છે. ભારતના અન્ય પડોશી દેશોમાં પણ તેની આ જ ઘોષિત-અઘોષિત નીતિ છે. તાજું ઉદાહરણ માલદીવ સાથે કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક કોઓપરેટિવ પાર્ટનરશિપ બનાવવાની તેની જાહેરાત છે. યાન રહે, માલદીવ સાથે ભારતના સંબંધોમાં આવેલ હાલની ખટાશને પ્રેક્ષક ચીન સાથે જોડીને જોઈ રહ્યા છે. એમાં બેમત નહીં કે કોઈપણ દેશ પોતાના બજેટનો કેટલો હિસ્સો કયા વિભાગમાં ખર્ચ કરશે, તે તેનો પોતાનો મામલો હોય છે. પરંતુ હાલના સંદર્ભોમાં ભારત પોતાના પડોશી દેશના આ નિર્ણયને નિહિતાર્થોની અવગણના ન કરી શકે. આપણે વધુ સતર્ક રહેવું જ પડશે.