પુતિન સામે ઝુકીશું નહીં:ટ્રમ્પની જેમ પ્રવાસીઓને રાક્ષસ માનતા નથી;બાઈડન

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધન કર્યું હતું. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા બંને ગૃહોને આ તેમનું છેલ્લું સંબોધન હતું. આ દરમિયાન યુએસ કોંગ્રેસ (સંસદના બંને ગૃહો)ના સભ્યો ઉપરાંત સરકારના તમામ મહત્વપૂર્ણ વિભાગોના વડાઓ હાજર રહ્યા હતા.

સંબોધનની શરૂઆત કરતાં બાઈડને કહ્યું- આ સમયે સમગ્ર વિશ્ર્વમાં સ્વતંત્રતા અને લોકશાહી વધુ જોખમમાં છે. જો કોઈ એવું વિચારે છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનમાંથી પીછેહઠ કરશે તો તે ભૂલભરેલું છે. હું પુતિનને કહેવા માંગુ છું કે અમે ક્યારેય યુક્રેનને છોડીશું નહીં અને અમે ક્યારેય રશિયા સામે ઝુકીશું નહીં. બાઈડને સંસદમાં સંબોધન કરતા યુક્રેન માટે સહાય ચાલુ રાખવાની અપીલ કરી હતી.

પ્રવાસીઓ વિશે વાત કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું- હું પ્રવાસીઓને ટ્રમ્પની જેમ રાક્ષસ માનતો નથી. તેમની જેમ હું નહીં કહું કે પ્રવાસીઓ અમેરિકાના લોહીમાં ઝેર ઘોળવાનું કામ કરતા હોય છે. હું ફક્ત તેમના ધર્મના આધારે લોકો પર પ્રતિબંધ નહીં લગાવું. અમેરિકા વિશ્ર્વના દરેક ખૂણેથી આવેલા લોકો માટે સલામત સ્થળ છે.

બાઈડને કહ્યું- અમે અમારા સૈનિકોને યુક્રેન મોકલીશું નહીં. યુક્રેને અમારી પાસેથી હથિયારોના મામલે સૈન્ય મદદ માંગી છે, જેથી તે રશિયા સાથે મુકાબલો કરી શકે. ટ્રમ્પનું નામ લીધા વિના બાઈડને કહ્યું- પૂર્વ રાષ્ટ્રપતિએ રશિયાને નાટો દેશો વિરુદ્ધ મનસ્વી રીતે કામ કરવા માટે ઉશ્કેર્યું હતું. તેઓ પુતિન સમક્ષ ઝુકી ગયા હતા. આ પ્રકારનું નિવેદન અત્યંત જોખમી છે અને તેને સ્વીકારવામાં આવશે નહીં.

ઇઝરાયલ-હમાસ યુદ્ધ અંગે બાઈડને કહ્યું-હમાસે ૭ ઓક્ટોબરે આતંકવાદી હુમલો કર્યો હતો. ઇઝરાયલને પોતાની સુરક્ષાનો અધિકાર છે. જો હમાસ યુદ્ધ સમાપ્ત કરવા માંગે છે, તો તેણે તેના શસ્ત્રો નીચે મુકી દેવા પડશે અને કેદીઓને છોડવા પડશે.

યુદ્ધમાં ૩૦ હજાર પેલેસ્ટાઈનના મોત થયા છે. આમાંના મોટાભાગના હમાસ લડવૈયા નથી. મેં અમેરિકન આર્મીને કામચલાઉ પોર્ટ બનાવવાની સૂચના આપી છે. આ સાથે, પેલેસ્ટાઈનીઓને ખોરાક, પાણી અને દવાઓ જેવી આવશ્યક વસ્તુઓ પહોંચી શકશે.

પરંપરા અનુસાર નવા વર્ષની શરૂઆતમાં અમેરિકી રાષ્ટ્રપતિ સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરે છે. યુએસ બંધારણના આટકલ ૨ ના ભાગ ૩ ના એક મુદ્દા (ક્લોઝ ૧) માં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દરમિયાન, તેઓ આગામી વર્ષ માટે સરકારના એજન્ડાને વિસ્તૃત રીતે સમજાવે છે. આ ઉપરાંત ગયા વર્ષમાં તેમની સરકારે જે કંઈ કર્યું તેનો પણ ઉલ્લેખ છે. અમેરિકન અખબાર ’ધ હિલ’ અનુસાર, સામાન્ય લોકો માટે નવી યોજનાઓ અને વિદેશ નીતિની બાબતો પર વધુ ધ્યાન આપવામાં આવે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવિષ્યના પડકારો પણ જણાવે છે.