સુરેન્દ્રનગર, ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમમાં વાડીમાંથી યુવાનની લાશ મળવા મામલે નાની મોલડી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી પ્રેમસંબંધમાં યુવાનની હત્યા કરનાર ૬ આરોપીઓ પૈકી પાંચને ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.
ઢોકળવા ગામની સીમમાં આવેલી લાખાભાઇ કરશનભાઇ સાનાણીની વાડીમાંથી લાખાભાઇની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. આ મામલે મ્રુતકના પિતાએ નાની મોલડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, લાખાભાઇને ગામના હદાભાઇ નારણભાઇ મામૈયાની દિકરી સાથે પ્રેમસંબંધ હતો. જેના મનદુખ બાબતે યુવતીના પરિવારના ૬ સભ્યોએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આથી નાની મોલડી પોલીસે મૃતક લાખાભાઇની લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને હત્યામાં સંડોવાયેલા રાજેશ માણસુરભાઇ મામૈયા, રવુભાઇ ખીમાભાઇ મામૈયા, ભાવેશભાઇ રતાભાઇ મામૈયા, વિપુલ સામતભાઇ મામૈયા અને લાખાભાઇ દિનેશભાઇ મામૈયાને ઝડપી લીધા હતા.
પોલીસે તમામ શખ્સોની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરતાં હત્યાની સિલસિલાબંધ વિગતો બહાર આવી હતી. જેમાં આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરતા જણાવ્યું હતું કે, પરિવારની દિકરી સાથે લાખાને પ્રેમસંબંધ હોય જે મંજૂર ન હોવાખી લાખાને રાત્રીના સમયે સમાધાન માટે વાડીમાં બોલાવ્યો હતો અને તમામ શખ્સોએ ભેગા મળી ઢોર માર માર્યો હતો. તેમજ ત્યાર બાદ લાખાને મારી નાંખી તેની હત્યાને સામાન્ય મોતમાં નિપજાવા માટે બળજબરીથી જંતુનાશક દવા પીવડાવી શાલ તેમજ દોરી વડે ગળે ટૂંપો આપી લાખાની લાશને તેની જ વાડી પાસે ફેંકી ફરાર થઇ ગયા હતા. આ હત્યામાં સંડોવાયેલા ૬ પૈકી પાંચ શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે હત્યામાં સામેલ અને ફરાર મુકેશ નરસીંગભાઇ મામૈયાને ઝડપી લેવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.