ટોકિયો, ૨૦૨૦માં સરહદ પર થયેલા રક્તપાત માટે ચીનને જવાબદાર ઠેરવતા વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે જણાવ્યું હતું કે ચીને ભારત સાથે લાંબા સમયથી ચાલતા લેખિત કરારોનું પાલન કર્યું નથી. ટોક્યોમાં રાયસિના રાઉન્ડટેબલમાં બોલતા જયશંકરે બાકીની દુનિયા તરફના રશિયાનાં અભિગમમાં કેવું પરિવર્તન આવે તેવી તેમની અપેક્ષા અંગે પણ વાત કરી હતી.
બે દિવસની જાપાનની મુલાકાતે ગયેલા વિદેશ પ્રધાને ચીનના મુદ્દે જણાવ્યું હતું કે ૧૯૭૫થી ૨૦૨૦ સુધીના આશરે ૪૫ વર્ષ સુધી સરહદ પર રક્તપાત થયો ન હતો અને ૨૦૨૦માં તે બદલાઈ ગયું હતું. આપણે ઘણા મુદ્દા પર અસંમત હોઈ શકીએ છીએ, પરંતુ જ્યારે કોઈ દેશ ખરેખર પડોશી સાથેના લેખિત કરારોનું પાલન કરતો નથી, ત્યારે મને લાગે છે, તે કારણભૂત છે. તેનાથી સંબંધોની સ્થિરતા અને ઇરાદોઓ પર પણ પ્રશ્ર્નાર્થચિહ્ન ઊભો થાય છે. જૂન ૨૦૨૦માં ગલવાન ખીણમાં ભીષણ અથડામણને પગલે બંને દેશો વચ્ચેના સંબંધો નોંધપાત્ર રીતે ખોરવાઈ ગયા હતા. આ અથડામણ ભારત અને ચીન વચ્ચે છેલ્લાં ઘણા દાયકાનો સૌથી ગંભીર લશ્કરી સંઘર્ષ હતો.
વૈશ્ર્વિક વ્યવસ્થાતંત્રમાં બદલાવ અંગે તેમણે જણાવ્યું હતું કે વિશ્ર્વના શક્તિશાળી દેશો ઇન્ડો પેસિફિક રિજન તરફ વળી રહ્યાં છે. ક્ષમતાઓ અને પ્રભાવમાં અને સંભવત: મહત્વાકાંક્ષાઓમાં ખૂબ મોટો ફેરફાર થાય છે, ત્યારે તેની સાથેની બીજા દેશોની પણ મહત્વાકાંક્ષાઓ ઊભી થાય છે અને તેના વ્યૂહાત્મક પરિણામો આવતા હોય છે. હવે તમને આ પરિવર્તન ગમે કે ન ગમે તે મુદ્દો નથી, પરંતુ તે એક વાસ્તવિક્તા છે. તમારે તે વાસ્તવિક્તાનો સામનો કરવો પડશે.