એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે કરોડો ગૃહિણીઓને મોટી ભેટ આપી છે. તેમણે એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણી પહેલા સરકાર તરફથી કરાયેલા આ નિર્ણયનો ફાયદો દેશના કરોડો પરિવારોને થશે. 

શુક્રવારે સવારે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે આજે મહિલા દિવસના અવસરે, અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. તેનાથી નારી શક્તિનું જીવન સરળ થવાની સાથે કરોડો પરિવારોનો આર્થિક બોજો પણ ઓછો થશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદગાર બનશે. જેનાથી આખા પરિવારનું સ્વાસ્થ્ય સારું થશે. 

નવી દિલ્હીમાં હાલ 14.2 કિલોવાળો ઘરેલુ સિલિન્ડરનો ભાવ 903 રૂપિયા છે. હવે સરકારે 100 રૂપિયાનો કાપ મૂકતા કિંમત ઘટીને 803 રૂપિયા થશે. જ્યારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયા સબસિડી મળતા તેમના માટે આ ભાવ 603 રૂપિયા થશે. નિયમ મુજબ સરકાર મળવા પાત્ર લાભાર્થીઓ માટે એક વર્ષમાં 12 રિફિલ સુધી એલપીજી સિલિન્ડર માટે 300 રૂપિયા સબસિડી આપે છે. 

આ અગાઉ ગુરુવારે સાંજે કેબિનેટની બેઠકમાં ઉજ્જવલા યોજના પર મળનારી 300 રૂપિયા સબસિડીને એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લેવાયો. હવે આ સબસિડી 1 માર્ચ 2025 સુધી ચાલુ રહેશે. જે હેઠળ ઉજ્જવલા યોજનાની લાભાર્થી મહિલાઓને વાર્ષિક 12 સિલિન્ડર  મળશે. યોજનાને એક વર્ષ લંબાવતા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે કેબિનેટે પીએમ ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને 31 માર્ચ 2025 સુધી 300 રૂપિયા સબસિડી આપવાનું ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે. જેના પર કુલ 12000 કરોડ રૂપિયા ખર્ચાશે.