ભારતના એરપોર્ટ, પોર્ટ, માઇનિંગ, પાવર જનરેશન, સોલર પાવર, વિન્ડ પાવર, જ્યાં જુઓ ત્યાં એક જ વ્યક્તિ દેખાશે

  • રાહુલ ગાંધી આજે ઝાલોદ ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યું

ઝાલોદ, ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનના બાંસવાડાથી આજે ગુજરાતમાં પ્રવેશી ગઈ છે. રાહુલ ગાંધી આજે ઝાલોદ ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું

રાહુલ ગાંધીએ ઝાલોદમાં જનસભા સંબોધી હતી, જ્યાં તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરી, આદિવાસીઓની વસ્તી અને તેમની ભાગીદારી તથા બેરોજગારી મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આદિવાસીઓની વસ્તી ૮ ટકા છે, જ્યારે આદિવાસી અધિકારીઓની ભાગીદારી ૬ ટકા છે. સાથે જ તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારતના એરપોર્ટ, પોર્ટ, માઇનિંગ, પાવર જનરેશન, સોલર પાવર, વિન્ડ પાવર, જ્યાં જુઓ ત્યાં એક જ વ્યક્તિ દેખાશે. બધુ ગણાવીશ તો બે ત્રણ કલાક લાગી જશે. સાથે તેમણે કહ્યું કે, દેશનો સૌથી મોટો પ્રશ્ર્ન બેરોજગારી છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે, રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ, પરંતુ તેમાં દેશના રાષ્ટ્રપતિ જોવા મળ્યા નથી

રાહુલ ગાંધીએ સભાને સંબોધન કરતાં જણાવ્યું કે મોદી સરકારે અદાણીને બધું વેચી દીધું છે. એરપોર્ટ, સોલાર બધું ઉધોગપતિઓને આપી દીધું છે, દેશના ૨થી ૩ ટકા લોકોને દેશની બધી સંપત્તિ સોંપી દીધી છે. તમારા ખિસ્સામાંથી રૂપિયા સીધા ઉધોગપતિઓને જઈ રહ્યા છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ બેરોજગારીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

રાહુલ ગાંધીનીભારત જોડો યાત્રા હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ગઈ છે ત્યારે તેમની પાસે લોક્સભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાની લગભગ આ છેલ્લી તક છે. આ સાથે જ તેમની સામે ગત બે લોક્સભા ચૂંટણીઓ ૨૦૧૪ અને ૨૦૧૯માં ગુજરાતમાં ૨૬-૦થી હારના પરિણામોની કડવી યાદોને ભૂલાવીને આગળ વધવા માટે પણ આ એક અવસર છે. પાર્ટીના એક પછી એક ધારાસભ્યોના રાજીનામા અને તેમના ભાજપમાં જોડાઈ જવાની ઘટનાઓથી કોંગ્રેસને ભારે આંચકા લાગ્યા છે ત્યારે આ સૌની વચ્ચે રાહુલ ગાંધી તેમની ભારત જોડો ન્યાય યાત્રા સાથે સમગ્ર ગુજરાતને આવરી લઈને ફરી કોંગ્રેસને જીવંત બનાવવાના પ્રયાસ કરી શકે છે.

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત સાત જિલ્લામાંથી પસાર થશે અને ચાર દિવસમાં ૪૦૦ કિલોમીટરનો પ્રવાસ કરશે. ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતમાં પ્રવેશી ગઈ છે. રાહુલ ગાંધી આજે ઝાલોદ ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું આ પછી ન્યાય યાત્રા ઝાલોદથી નીકળીને લીંમડી ખાતે પહોંચી હતી પોતાની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અનેક સ્થળોની મુલાકાત કરી હતી ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી પોતાની ન્યાય યાત્રા દરમિયાન ૬ જાહેર સભાઓ અને ૨૭ બેઠક કરશે.

કોંગ્રેસના પૂર્વ અયક્ષ રાહુલ ગાંધીએ લોક્સભાની ચૂંટણી પહેલા એક મોટું પગલું ભર્યું છે. યુવા મતદારોને આકર્ષવા માટે તેમણે લોક્સભા ચૂંટણીને યાનમાં રાખીને યુવાઓ માટે મોટા વાયદા કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો દેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો ૩૦ લાખ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કોલેજ પૂર્ણ કર્યા બાદ ૧ લાખ રૂપિયાવાળી એપ્રેન્ટિસશિપ આપવાની પણ જાહેરાત કરી છે. તેમણે ’યુવા ન્યાય’ની જાહેરાત કરવાની સાથે પાંચ વચનો આપ્યા હતા.

મણિપુરથી મુંબઈ સુધી ’ભારત જોડો ન્યાય યાત્રા’ યોજી રહેલાં રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતાં કહ્યું કે ભારતમાં ૩૦ લાખ સરકારી જગ્યાઓ ખાલી છે. પીએમ મોદીનું તેના પર યાન જ નથી. ભાજપને તેમાં કોઈ રસ નથી. સરકારમાં આવ્યા બાદ અમારું પહેલું કામ ૩૦ લાખ નોકરીઓ આપવાનું રહેશે.

બીજા વચન તરીકે રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના દરેક સ્નાતકને ૧ લાખ રૂપિયાનો હક આપવામાં આવશે. તેમણે દરેક યુવાનોને એપ્રેન્ટિસશીપનો અધિકાર આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું, ’અમે મનરેગા લાવ્યા હતા જેનો લાખો લોકોને ફાયદો થયો હતો, અમે રોજગારનો અધિકાર આપ્યો હતો. તેવી જ રીતે, અમે ભારતના તમામ યુવાનોને એપ્રેન્ટિસશીપનો અધિકાર આપવા જઈ રહ્યા છીએ. દરેક સ્નાતક અને ડિપ્લોમા ધારકને આ મળશે. દરેક યુવકને કોલેજ પછી તરત જ ૧ વર્ષ માટે એપ્રેન્ટિસશિપ આપવામાં આવશે અને તેને ૧ લાખ રૂપિયા આપવામાં આવશે અને આ તેમનો અધિકાર હશે.

રાહુલ ગાંધીએ પેપર લીક થવાની વધતી જતી ઘટનાઓ બાદ વચન આપ્યું કે પેપર લીકની ઘટનાઓથી છુટકારો મેળવવા કડક કાયદો બનાવીકરોડો યુવાનોનું ભવિષ્ય બગડતું અટકાવવામાં આવશે. અમે પેપર લીક સામે નવો કાયદો લાવીશું જેમાં અમે પરીક્ષા યોજવાની રીત બદલીશું. ખાનગી કંપનીઓને આઉટસોર્સ કરી યોજવામાં આવતી પરીક્ષાઓ બંધ થશે. પરીક્ષા સરકારી સંસ્થા દ્વારા લેવામાં આવશે. જો પેપર લીક થશે તો એવી કાયદેસરની કાર્યવાહી થશે કે ફરી આવું ન થાય.

રાહુલ ગાંધીએ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે ફંડ આપવાનું પણ વચન આપતાં કહ્યું કે પીએમ મોદીએ સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા કર્યું પણ તેનાથી કોઈ ફેર પડ્યો નથી. બે-ત્રણ અબજોપતિઓએ બધું છીનવી લીધું. યુવાનોને ન તો સ્ટાર્ટઅપ મળ્યું કે ન તો મેક ઇન ઇન્ડિયા. અમે સ્ટાર્ટઅપ્સ માટે ૫ હજાર કરોડ રૂપિયાનું ફંડ બનાવ્યું છે. આ ફંડ દરેક જિલ્લામાં હશે. ૪૦ વર્ષથી નીચેના યુવાનો તેનો લાભ લઈ શકશે.