મુંબઇ, ભારતીય શેરબજાર ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં વધારા સાથે બંધ થયું. સેન્સેક્સ-નિફ્ટી માં થોડો વધારો જોવા મળ્યો હતો, જોકે એફએમસીજી શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપમાં પણ ખરીદી જોવા મળી હતી. કારોબારના અંતે બીએસઇ સેન્સેક્સ ૩૩ પોઈન્ટના મામૂલી ઉછાળા સાથે ૭૪,૧૧૯ પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨,૪૯૩ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને તેમની ઐતિહાસિક ટોચ પર બંધ થયા છે.
આજના કારોબારમાં એફએમસીજી, આઈટી, પીએલયુ બેન્ક , ફાર્મા, મેટલ, મીડિયા, કોમોડિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર સેક્ટરના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે બેન્કિંગ , ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રા શેરો ઘટીને બંધ રહ્યા હતા. બુધવારના ઘટાડા બાદ આજના સેશનમાં મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૦ શેર ઉછાળા સાથે અને ૧૦ નુક્સાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટી ના ૫૦ શૅરમાંથી ૩૦ શૅર ઉછાળા સાથે અને ૨૦ શૅર ઘટાડાની સાથે બંધ થયા હતા.
શેરબજારમાં આવેલી તેજીના કારણે બજારની મૂડીમાં વધારો થયો છે.બીએસઇ પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય રૂ. ૩૯૨.૭૫ લાખ કરોડે પહોંચ્યું છે, જે ગયા સત્રમાં રૂ. ૩૯૧.૩૭ લાખ કરોડ હતું. આજના બજારના બજાર મૂલ્યમાં રૂ. ૧.૩૮ લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
આજના કારોબારમાં ટાટા સ્ટીલ ૩.૯૦ ટકા, ટાટા મોટર્સ ૨.૧૪ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૦૯ ટકા, બજાજ ફિનસર્વ ૨ ટકા, બજાજ ફાઇનાન્સ ૧.૭૧ ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૫૦ ટકા અને આઇટીસી ૧.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૬૮ ટકાના વધારા સાથે, રિલાયન્સ ૧.૫૯ ટકા, એક્સિસ બેક્ધ ૧.૨૩ ટકા,આઇસીઆઇસીઆઇ બેક્ધ ૦.૮૨ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.