ઇસ્લામાબાદ,પાડોશી મુસ્લિમ દેશ પાકિસ્તાનમાં પણ મહાશિવરાત્રિ પર ભગવાન ભોલેનાથની ઉજવણી કરવામાં આવશે. ભક્તો ‘જય ભોલેનાથ’ના જોશ ભર્યા નારા લગાવશે. પાકિસ્તાનમાં ઉજવાતી મહાશિવરાત્રીની ઉજવણી માટે હિન્દુઓનો મોટો સમૂહ ભારતથી લાહોર પહોંચ્યો છે. પાકિસ્તાનના ઐતિહાસિક મંદિરમાં તહેવારની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
આ મહાશિવરાત્રીની ઉજવણીમાં ભાગ લેવા માટે ૬૨ હિન્દુઓ વાઘા બોર્ડર દ્વારા ભારતથી લાહોર પહોંચ્યા હતા. આ સંદર્ભમાં, ઇવેક્યુઇ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના પ્રવક્તા આમિર હાશ્મીએ જણાવ્યું હતું કે ‘મહાશિવરાત્રિની ઉજવણીમાં ભાગ લેવા માટે બુધવારે કુલ ૬૨ હિન્દુ તીર્થયાત્રીઓ ભારતથી લાહોર પહોંચ્યા હતા.’
આમિર હાશ્મીએ કહ્યું કે ઇટીપીબી દ્વારા આયોજિત મહાશિવરાત્રીનો મુખ્ય કાર્યક્રમ ૯ માર્ચે લાહોર શહેરથી લગભગ ૩૦૦ કિલોમીટર દૂર ચકવાલમાં ઉજવવામાં આવશે. ચકવાલમાં ઐતિહાસિક કટાસ રાજ મંદિર છે, અહીં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવશે. જેમાં વિવિધ રાજકીય, સામાજિક અને ધામક આગેવાનો જોડાશે.
તેમને કહ્યું કે વાઘા ખાતે, ધામક સ્થળોના અધિક સચિવ, રાણા શાહિદ સલીમે વિશ્ર્વનાથ બજાજના નેતૃત્વમાં આવેલા હિન્દુઓનું સ્વાગત કર્યું. તીર્થયાત્રીઓ ૧૦ માર્ચે લાહોર પરત ફરશે અને ૧૧ માર્ચે તેઓ કૃષ્ણ મંદિર, લાહોરનો કિલ્લો અને લાહોરના અન્ય ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. તે ૧૨ માર્ચે ભારત પરત ફરશે.
પાકિસ્તાન અને ભારત વચ્ચે ધામક સ્થળોની યાત્રા માટે દ્વિપક્ષીય કરાર છે, જે અંતર્ગત ભારતમાંથી શીખ અને હિન્દુ તીર્થયાત્રીઓ દર વર્ષે પાકિસ્તાનની મુલાકાત લે છે. બીજી તરફ આ કરાર હેઠળ દર વર્ષે પાકિસ્તાનથી પણ તીર્થયાત્રીઓ ભારત આવે છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શીખ સમુદાયના લોકો સુવર્ણ મંદિરની મુલાકાત લે છે. પાકિસ્તાનથી પણ શ્રદ્ધાળુઓ અજમેરમાં ખ્વાજાજીની દરગાહની મુલાકાત લે છે.ઈવેક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના પ્રવક્તા આમિર હાશ્મી છે. ઇટીપીબીએ એક વૈધાનિક બોર્ડ છે જે વિભાજન પછી ભારતમાં આવેલા હિન્દુઓ અને શીખોની ધામક મિલક્તો અને મંદિરોનું સંચાલન કરે છે.