સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટોપ ૧૦ સ્ટાર્સમાં ૮ મહિલા, માત્ર ૨ હીરો

મુંબઇ, સમગ્ર વિશ્ર્વમાં ૮ માર્ચે વીમેન્સ ડેની ઉજવણી સાથે નારી શક્તિનું સન્માન થવાનું છે. આ વિશેષ દિવસના આગમન પૂર્વે જ ફીમેલ સ્ટાર્સના પાવરનો પરચો સોશિયલ મીડિયાએ આપી દીધો છે. ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટોપ-૧૦ બોલિવૂડ સ્ટાર્સના લિસ્ટમાં ૮ મહિલા છે અને માત્ર બે હીરોને સ્થાન મળ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સના ટોપ-૧૦ લિસ્ટમાં પ્રિયંકા નંબર-૧ છે, જ્યારે ટોપ-૫ના લિસ્ટમાં માત્ર હીરોઈન જ છે.

બોલિવૂડમાં હંમેશા લીડ એક્ટ્રેસને ઘણી ઓછી ફી અપાતી હોવાનું કહેવાય છે. ફીમેલ સ્ટારને ઓછી ફી બાબતે દલીલ કરવામાં આવે છે કે, ફિલ્મો માત્ર હીરોના નામે ચાલે છે અને જેના નામ પર ફિલ્મ ચાલતી હોય તેને વધારે ફી મળે. બોક્સઓફિસ પર ફિલ્મના કલેક્શન અને હીરોની વેલ્યુ વચ્ચેના કનેક્શનને સમજવાનું કદાચ અઘરું હોઈ શકે છે, પરંતુ સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ બાબતે આંકડા પોતે જ રસપ્રદ ખુલાસો કરે છે. બોક્સઓફિસ પર ફિલ્મોના પ્રદર્શનની અસર તેમની ફી પર પડતી હોય છે. તે જ રીતે અંગત જીવન અને ફિલ્મી કરિયરની સીધી અસર સોશિયલ મીડિયા ફોલોઅર્સ પર પણ થાય છે.

ભારતીય એક્ટ્રેસમાં સૌથી વધુ ૯૦.૭ મિલિયન ફોલોઅર્સ પ્રિયંકા ચોપરા પાસે છે. ઈન્સ્ટાગ્રામ પર પ્રિયંકાને સૌથી વધુ ફોલો કરવામાં આવે છે. બોલિવૂડમાં લીડિંગ એક્ટ્રેસ ઉપરાંત પ્રિયંકાએ ગ્લોબલ આઈકોન તરીકે પણ નામ મેળવ્યું છે અને તેની સીધી અસર ફોલોઅર્સની સંખ્યામાં જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર પ્રિયંકા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અંગે વાત કરી છે. નવા પ્રોજેક્ટ્સ, સામાજિક પ્રવૃત્તિઓ અને ફેશન સેન્સ અંગે પ્રિયંકા અવાર-નવાર પોસ્ટ શેર કરતી રહે છે.

શ્રદ્ધા કપૂરને નવી પેઢીની ગ્લેમરસ એક્ટ્રેસ ગણવામાં આવે છે. કેટરિના, પ્રિયંકા કે દીપિકાની જેમ લીડિંગ એક્ટ્રેસ તરીકે શ્રદ્ધાને હજુ સ્થાન મળ્યું નથી, પરંતુ બોલિવૂડમાં સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતા સ્ટાર્સની હરોળમાં શ્રદ્ધા મોખરે છે. શ્રદ્ધા કપૂરની પોસ્ટમાં મૂવી પ્રમોશનની સાથે બિહાઈન્ડ ધ સીન્સની ઝલક પણ હોય છે. તે પોતાના પરિવાર અને પાલતુ શ્ર્વાન સાથેની અપડેટ પણ આપતી રહે છે. યંગ ઓડિયન્સને શ્રદ્ધાની પોસ્ટ વધારે ગમતી હોય છે અને તેની સીધી અસર શ્રદ્ધાના ફોલોઅર્સની સંખ્યામાં દેખાય છે.

ગ્લેમરસ આલિયા ભટ્ટે અનેક ફિલ્મોમાં દમદાર અભિનય આપ્યો છે. આલિયા ભટ્ટને અગાઉ જનરલ નોલેજ માટે ટ્રોલ કરવામાં આવતી હતી, પરંતુ પાછલા કેટલાક સમયથી આલિયાની દરેક પોસ્ટ લાખો લાઈક્સ મેળવી રહી છે. આલિયા ભટ્ટ અવાર-નવાર ફિલ્મ શીડ્યુલ, ફિટનેસ ટિપ્સ અને નિકટના લોકો સાથે હળવાશની પળો શેર કરતી રહે છે. આલિયાની વાઈબ્રન્ટ પર્સનાલિટી દરેક પેઢીના સોશિયલ મીડિયા યુઝરમાં પ્રિય છે.

કેટરિના કૈફને બોલિવૂડની સૌથી વધુ સુંદર એક્ટ્રેસ ગણવામાં આવે છે. કેટરિનાએ રોમેન્ટિક ગીતોની જેમ એક્શન સીન્સમાં પણ ટેલેન્ટ બતાવી છે. કેટરિના સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેતી નથી, પરંતુ તેની દરેક પોસ્ટની આતુરતાથી રાહ જોવાતી હોય છે. કેટરિનાએ શેર કરેલા સિમ્પલ ફોટોગ્રાસ પણ ઢગલો લાઈક્સ અને સપોર્ટ મેળવી શકે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દીપિકા પાદુકોણના ૭૮.૮ મિલિયન ફોલોઅર્સ છે. ઉર્વશી રાઉતેલાના ૭૦.૩ મિલિયન ફોલોઅર્સ છે.જેકલીનના૬૯ મિલિયન ફોલોઅર્સ છે. અક્ષય કુમાર ૬૮ મિલિયન ફોલોઅર્સ સાથે ૯મા નંબરે છે.