દાણીલીમડામાં લાગેલી ભીષણ આગમાં એક બાળકનું મોત, ૩ ગંભીર રીતે દાઝ્યા

અમદાવાદ, અમદાવાદના દાણીલીમડામાં વિસ્તારમાં વહેલી સવારે રહેણાક લેટમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેમાં એક બાળકનું મોત થયુ છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ફાયર બ્રિગેડે ૨૭ લોકોને સહી સલામત બચાવી લીધા હોવાની માહિતી સામે આવી છે.

અમદાવાદના દાણીલીમડામાં વહેલી સવારે ખ્વાઝા ફલેટમાં અચાનક લાગી આગ હતી. પાકગમાં લાગેલી આગ છેક ઉપરના માળ સુધી પ્રસરી ગઇ હતી. આગ લાગતા જ બિલ્ડિંગમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો, લોકો જીવ બચાવવા માટે દોડધામ કરી રહ્યા હતા. ધુમાડો ઘરોમાં પહોંચી જતા ખાસ કરીને બાળકોને ગુંગડામણનો અનુભવ થયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી.

આગની આ ઘટનામાં ૩ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા છે. ફાયર બ્રિગેડે ૨૭ લોકોને સહીસલામત રીતે બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્તોને મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ અકબંધ છે.