- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે દાહોદ જીલ્લાને મળશે રૂ. 300 કરોડથી વધારેના વિકાસકાર્યોની ભેટ.
- EMRS ની નવનિર્મિત શાળાનું સીંગવડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લોકાર્પણ કરશે.
દાહોદ,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતી તા.10 માર્ચના રોજ દાહોદના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દાહોદ પ્રવાસ દરમિયાન દાહોદ જીલ્લાને અંદાજીત રૂ. 300 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોની ભેટ મળશે. દાહોદ જીલ્લાની મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ સહિત ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દાહોદ જીલ્લાની મુલાકાત દરમ્યાન આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક સીંગવડ તાલુકા ખાતે એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલનું તેમના વરદ હસ્તે નવનિર્મિત અદ્યતન શાળાનું લોકાર્પણ કરશે, મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ 74 જેટલાં નવીન પંચાયત ઘર, સીંગવડ ખાતે કોમ્યુનિટી હોલ દાસાનું લોકાર્પણ તેમજ દાહોદ સ્માર્ટ સીટી હેઠળ સોલિડ વેસ્ટ મેનજમેન્ટ ઇન્ફ્રા.નું લોકાર્પણ કરીને જનસમુદાયને સમર્પિત કરશે.
ઉપરાંત દાહોદ શહેરના વિવિધ વિસ્તારમાં તેમજ વિવિધ તાલુકાઓમાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ હેઠળ રિસર ફેસીંગ હેઠળ રોડ વ્યવસ્થા, શહેરની બલ્ક પાણી પુરવઠા સુધારણા યોજના, ડમ્પિંગ સાઈટમાં લેગાસી વેસ્ટના નિકાલ, મોડલ ફાયર સ્ટેશન, જેવી અન્ય વિવિધ વિકાસના અનેક પ્રકલ્પોનું ભુમિપુજન કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાહોદ જીલ્લાને રૂ. 300 કરોડથી વધારેના વિકાસકાર્યોની ભેટ આપશે.
મુખ્યમંત્રીના દાહોદ પ્રવાસ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે એમ આજની વિશેષ બેઠક દરમ્યાન ક્લેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું .
આ બેઠકમાં ગુજરાત રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય મહેન્દ્રભાઇ ભાભોર, ધારાસભ્ય રમેશ કટારા,જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર,જીલ્લા પોલીસ અધિક્ષક ડો રાજીદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, જીલ્લા ગ્રામવિકાસ એજન્સી નિયામક બી.એમ.પટેલ, સહિત પ્રાંત અધિકારીઓ, મામલતદારો ,સહિત સબંધિત દરેક વિભાગના અધિકારી ઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.