ભાજપના સાત ધારાસભ્યોને હાઈકોર્ટમાંથી રાહત, કોર્ટે સસ્પેન્શન રદ કર્યું

નવીદિલ્હી : દિલ્હી હાઈકોર્ટે દિલ્હી વિધાનસભામાંથી ભાજપના સાત ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કર્યું છે. તેણે પોતાના સસ્પેન્શનને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ ધારાસભ્યોને ૧૫ ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાના બજેટ સત્રમાં લેટનન્ટ ગવર્નર વિનય સક્સેનાના સંબોધન દરમિયાન ફાટી નીકળેલી ગરબડને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટે ધારાસભ્યોની અરજી પર ૨૭ ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

ભાજપના સાત ધારાસભ્યો – મોહન સિંહ બિષ્ટ, અજય મહાવર, ઓ.પી. શર્મા, અભય વર્મા, અનિલ વાજપેયી, જિતેન્દ્ર મહાજન અને વિજેન્દર ગુપ્તાએ વિધાનસભાના બાકીના બજેટ સત્ર માટે તેમના સસ્પેન્શનને પડકારતી હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિપક્ષી સભ્યોને ચર્ચામાં ભાગ લેવાથી અક્ષમ કરવા માટે દૂષિત યોજના ઘડવામાં આવી હતી.

૧૫ ફેબ્રુઆરીએ આપ સરકારની સિદ્ધિઓને પ્રકાશિત કરતા લેટનન્ટ ગવર્નરના સંબોધનમાં કથિત રીતે વિક્ષેપ પાડવા બદલ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ધારાસભ્યોએ તેમના સતત સસ્પેન્શન અંગે ચિંતા વ્યક્ત કરી અને સંભવિત વિવાદાસ્પદ વાતાવરણ દર્શાવતી તાજેતરની રાજકીય ટિપ્પણીઓ અને સંદેશાઓ સામે વિરોધ દર્શાવ્યો. ૧૯ ફેબ્રુઆરીના રોજ, ધારાસભ્યોના વરિષ્ઠ વકીલ જયંત મહેતાએ દલીલ કરી હતી કે સસ્પેન્શન ગેરબંધારણીય અને નિયમોની વિરુદ્ધ છે, જે કાર્યવાહીમાં ભાગ લેવાના તેમના અધિકારને અસર કરે છે.