નવીદિલ્હી, કોંગ્રેસનો ગઢ ગણાતી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર ફરી એકવાર હાઈપ્રોફાઈલ સ્પર્ધા જોવા મળી શકે છે. અટકળોએ જોર પકડ્યું છે કે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ૨૦૨૪માં પણ આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જોકે, એઆઇસીસી તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં રાહુલને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડનાર સ્મૃતિ ઈરાનીએ હરાવ્યા હતા.
બીજેપીએ ફરી એકવાર ઈરાનીને અમેઠી સીટ પરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા આ બેઠક પર ઉમેદવારી અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી. ૨૦૧૯માં ઈરાનીએ અહીંથી રાહુલને ૫૫ હજાર ૧૨૦ વોટથી હરાવ્યા હતા.
જોકે અમેઠી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ દાવો કર્યો છે કે પાર્ટીના નેતા રાહુલ ગાંધી ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી અમેઠીથી લડશે. નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક બાદ પરત ફરેલા કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ પ્રદીપ સિંઘલે કહ્યું કે રાહુલ ગાંધી અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર હશે, જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
સિંઘલે કહ્યું કે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને કાર્યર્ક્તાઓ પોતાની જવાબદારી નિભાવવાની તૈયારી કરી રહ્યા છે. રાહુલ ગાંધી ૨૦૦૨ થી ૨૦૧૯ સુધી અમેઠીના સાંસદ હતા. એવી શક્યતાઓ છે કે કોંગ્રેસ ટૂંક સમયમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે. ભાજપે ગયા શનિવારે જ ૧૯૫ નામોની પ્રથમ યાદી જાહેર કરી હતી.
રાયબરેલીને કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધી પરિવારનો ગઢ પણ માનવામાં આવે છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અયક્ષ સોનિયા ગાંધી ૨૦૦૪થી અહીં ચૂંટણી જીતી રહ્યાં છે. જોકે, આ વખતે તેમણે રાજસ્થાનથી રાજ્યસભામાં જવાનું નક્કી કર્યું છે. તેમણે અમેઠીના લોકોને એક પત્ર પણ લખ્યો હતો, જેમાં તેમણે એવો સંકેત આપ્યો હતો કે ઉમેદવાર ગાંધી પરિવારનો છે. એવી અટકળો ચાલી રહી છે કે પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલી બેઠક પરથી ચૂંટણીમાં પદાર્પણ કરી શકે છે