લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદી સામાન્ય જનતા અને કર્મચારીઓ માટે મોટું એલાન કરી શકે છે.

લોકસભા ચૂંટણી કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ખુશખબર આપી શકે છે. સરકાર આ યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડર પર મળનારી સબસિડીમાં 31 માર્ચ 2025 સુધી વધારો કરી શકે છે. આ નિર્ણયથી દેશના 9 કરોડથી વધુ લાભાર્થીઓને લાભ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ લાભાર્થીઓને 31 માર્ચ 2025 સુધી સબસિડી મળશે. એક વર્ષ સુધી સબસિડી વધારવાથી સરકારને વધારાના ₹12,000 કરોડનું નુકસાન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સરકાર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી આપે છે. ગયા વર્ષ સુધી આ યોજના હેઠળ લાભાર્થીઓને 200 રૂપિયાની સબસિડી મળતી હતી. જોકે, ઓક્ટોબર 2023માં સબસિડીની રકમ 100 રૂપિયા વધારીને 300 રૂપિયા કરવામાં આવી હતી. ભારત સરકાર હાલમાં એક વર્ષમાં 12 રિફિલ પર લાભાર્થીઓને આ સબસિડી આપે છે.

મોંઘવારી ભથ્થું વધીને થઈ શકે 50 ટકા 
કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને પણ ખુશખબર આપી શકે છે. સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં 4 ટકાનો વધારો કરી શકે છે. હાલમાં કર્મચારીઓને 46 ટકા ડીએ મળે છે, 4 ટકાના વધારા સાથે આ 50 ટકા થઈ શકે છે. 

મહારાષ્ટ્રમાં કન્ટેનર પોર્ટ માટે 75,000 કરોડની સહાય પણ જાહેર થઈ શકે 
કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રમાં કન્ટેનર પોર્ટ માટે 75,000 કરોડની સહાય જાહેર કરી શકે છે. તે ઉપરાંત સરકાર કાચા શણની એમએસપીમાં ક્વિન્ટલ દીઠ 5335 રુપિયાનો વધારો પણ કરી શકે છે.