વોશિગ્ટન,અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુપર ટ્યૂસડે પ્રાઇમરી ઇલેક્શનમાં જોરદાર જીત સાથે શરૂઆત કરી છે. અત્યાર સુધી આવેલા પરિણામમાં ટ્રમ્પ આઠ રાજ્યમાં જીત મેળવી ચુક્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટ્રમ્પની લોકપ્રિયતાને જોતા તે સુપર ટ્યૂસડેને ૧૫ રાજ્યમાં થયેલા પ્રાઇમરી ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરી શકે છે.આ સાથે જ નિક્કી હેલી રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થઇ શકે છે.
અમેરિકન મીડિયા અનુસાર, ટ્રમ્પે અલબામા, અરકંસાસ, મેન, નોર્થ કેરોલિના, ઓકલાહામા, ટેનેસી, ટેક્સાસ અને વર્જીનિયામાં જીત મેળવી છે. પોતાની જીત પર ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટૂથ પર મતદારોનો આભાર માન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રાઇમરી ઇલેક્શનમાં ૬૫ પોઇન્ટ મેળવીને સૌથી આગળ ચાલી રહ્યાં છે. રાષ્ટ્રપતિ જો બાઇડન પણ ટ્રમ્પ કરતા બે પોઇન્ટ પાછળ છે. માનવામાં આવે છે કે નવેમ્બરમાં યોજાનારી અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઇડનનો સામનો ડોનાલ્ડ ટ્રમ્પ સામે થવાનું લગભગ નક્કી છે.
સુપર ટ્યૂસડે એટલે કે ૫ માર્ચે અમેરિકાના ૧૫ રાજ્યમાં એક સાથે રિપબ્લિકન પ્રાઇમરી ચૂંટણી યોજાઇ હતી જે રાજ્યમાં મંગળવારે ચૂંટણી યોજાઇ તેમાં કેલિફોનયા, ટેક્સાસ, નોર્થ કેરોલિના, ટેનેસી, અલબામા, વર્જીનિયા, ઓકલાહામા, અરકંસાસ, મેસાચ્યુસેટ્સ, ઉટા, મિનેસોટા, કોલોરાડો, મેન અને વેર્મોન્ટ સામેલ છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની દાવેદારી જીતવા માટે ૧૨૧૫ ડેલિગેટ્સનું સમર્થન જરૂરી હોય છે. સુપર ટ્યૂસડેના પરિણામ પહેલા જ ટ્રમ્પ પાસે ૨૪૪ ડેલિગેટ્સનું સમર્થન હતું. હવે ૧૫ રાજ્યમાં જો ટ્રમ્પ ક્લીન સ્વીપ કરે છે તો ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદની દાવેદારી જીતવાની નજીક આવી જશે.
નિક્કી હેલીએ શનિવારે જ કોલંબિયા ડિસ્ટ્રિક્ટની પ્રાઇમરી ચૂંટણીમાં જીત મેળવી હતી અને કોઇ પ્રાઇમરી ચૂંટણીમાં જીત મેળવનારા તે અમેરિકાના ઇતિહાસની પ્રથમ રિપબ્લિકન મહિલા છે.સાથે જ ભારતીય મૂળની પ્રથમ મહિલા છે જેમણે પ્રાઇમરી ચૂંટણીમાં જીત મેળવી છે. જોકે, સુપર ટ્યૂસડેના પરિણામોથી લાગી રહ્યું છે કે નિક્કી હેલી રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થઇ શકે છે કારણ કે તે ટ્રમ્પ કરતા ઘણા પાછળ રહી ગયા છે.