વેરાવળ,ઉના વેરાવળ રોડ પર હિટ એન્ડ રનમાં રેવન્યુ તલાટીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું છે અને નાયબ મામલતદારને ગંભીર ઇજા થઈ છે. તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો ઉનાના વેરાવળ રોડ પર આવેલા માઢ ગામ નજીક રોડ સાઇડ પાટિયા પાસે ઉભેલા ઉના મામલતદાર કચેરીના સિટી રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા ભરતભાઈ મથુરભાઈ પંડ્યાની સાથે નાયબ મામલતદાર દીપકભાઈ બાંભણિયા ઉનાના માઢ ગામ ખાતે સરકારી કામકાજ માટે ગયા હતા.
તે સમયે વેરાવળ જતી ટ્રકે ગફલતભરી રીતે વાહન ચલાવતા હિટ એન્ડ રન સર્જાયો હતો. તેમા રેવન્યુ તલાટી મંત્રી ફંગોળાઈ જતુ તેમનું કમકમાટીભર્યુ મોત થયુ હતું.
આ વિસ્તારના સાંકડા રસ્તાઓમાં બેફામ દોડતી ટ્રકો બધા માટે ચિંતાનો વિષય બની છે. સત્તાવાળાઓને બેફામ દોડતી ટ્રકો પર લગામ લગાવવા વારંવાર રજૂઆત કરાવવામાં આવી છે, પરંતુ આ દિશામાં હજી સુધી પગલાં લેવાયા નથી. આ રીતે ઊભેલી વ્યક્તિને કચડી જતી ટ્રક એક રીતે મોતનો હરતો ફરતો સામાન બનીને ફરે છે. સરકારી કર્મચારીના મૃત્યુ પછી પણ સરકાર નહીં જાગે તો આ માતેલા સાંઢની જેમ ફરતી ટ્રકો હજી પણ કેટલાય લોકોને યમસદન પહોંચાડી શકે છે.