- રીન્યુએબલ એનર્જીને લગતા સાધનો અંગે 50 જેટલા ખેડુતોએ માર્ગદર્શન મેળવ્યું.
ગોધરા,\ આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ,ગોધરાના રીન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ વિભાગ અને નાયબ બાગાયત નિયામકની કચેરી, દાહોદના સંયુકત ઉપક્રમે દાહોદ જીલ્લાના ખેડૂતોએ રીન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ વિભાગ, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ,ગોધરાની મુલાકાત લીધી હતી.
સદર ખેડૂત મુલાકાતનું આયોજન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, ગોધરાના આચાર્ય અને વિદ્યાશાખા અધ્યક્ષ ડો.આર.સુબ્બૈયાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.મુલાકાત દરમિયાન ખેડૂતોને બાગાયતી પાકો માટે ખેડૂતલક્ષી વપરાતા રીન્યુએબલ એનર્જીને લગતા જુદા જુદા સાધનો જેવા કે સોલાર પમ્પીંગ સીસ્ટમ, જુદા જુદા પ્રકારના સોલાર સુકવણી યંત્રો, ગ્રીન હાઉસ, નેટ હાઉસ જેવા સાધનો તેમજ નિર્ધૂમ ચુલા, જુદા જુદા પ્રકારના સોલાર કુકરના સીધા નિદર્શન હેઠળ માર્ગદર્શન અપાયું હતું.
આ કાર્યક્રમમાં દાહોદ જીલ્લાના જુદા જુદા તાલુકાના 50 જેટલા ખેડૂતોએ હાજર રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઇજ.જે. શ્રવણકુમાર, મદદનીશ પ્રાધ્યાપક, આર. ઈ. ઈ. વિભાગ દ્વારા સદર મુલાકાતનું સંચાલન કરાયું હતું.